સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: થલતેજ અંડરપાસમાં ચાલુ કારમાં આગ, SG હાઈવે પર 2.5 કિમી ટ્રાફિક જામ

અમદાવાદ: થલતેજ અંડરપાસમાં ચાલુ કારમાં આગ, SG હાઈવે પર 2.5 કિમી ટ્રાફિક જામ

અમદાવાદના એસજી હાઈવે પર થલતેજ અંડરપાસ નજીક ગાંધીનગર તરફ જતી એક ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. 2012 મોડેલની સ્વિફ્ટ કારમાં આગ લાગતાં ચાલકે સમયસૂચકતા દાખવીને તરત જ કારમાંથી બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

આગ લાગવાની ઘટનાને કારણે એસજી હાઈવે પર ગાંધીનગર તરફ જતો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને પિક અવર દરમિયાન અંદાજે 2.5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને રસ્તા પર અટવાયેલા વાહનોને દૂર કરી ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર પકવાન બ્રિજથી થલતેજ સુધીના મુખ્ય રોડ અને સર્વિસ રોડ પર પણ વાહનોનો ભારે ખડકલો થયો હતો. ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હોવાની તસવીરો સામે આવી છે. પોલીસે ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી છે.