સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં વેપારીનો મોબાઇલ હેક કરી 1.60 લાખની ઉચાપત, ઈસનપુર પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદમાં વેપારીનો મોબાઇલ હેક કરી 1.60 લાખની ઉચાપત, ઈસનપુર પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા અને મણિનગરમાં લોખંડ-સ્ટીલનો વેપાર કરતા 53 વર્ષીય વેપારીનો મોબાઇલ હેક કરી અજાણ્યા ગઠિયાઓએ તેમના બેંક ખાતામાંથી કુલ રૂ. 1.60 લાખ ટ્રાન્સફર કરી ઓનલાઇન છેતરપિંડી આચરી હતી. આ મામલે ઈસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઈસનપુરની જયંત પાર્ક સોસાયટીમાં આવેલા ઈલુ એપાર્ટમેન્ટમાં રહેતા જીગર કૌશિકભાઈ જોશી મણિનગરમાં 'કૃષ્ણા ટ્રેડર્સ' નામે લોખંડ અને સ્ટીલનો વેપાર કરે છે. તેમનું સેવિંગ્સ એકાઉન્ટ મણિનગર ખાતે આવેલી આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં છે.

બપોરના સુમારે તેમના મોબાઇલ પર અચાનક બેંકમાંથી રૂપિયા કપાઈ ગયા હોવાના બે મેસેજ આવ્યા હતા. આ મેસેજ બાદ તેમના મોબાઇલ પર અલગ-અલગ નંબરો પરથી OTP આવવા લાગ્યા હતા. પોતાનો મોબાઇલ હેક થયો હોવાની શંકા જતાં તેઓ તાત્કાલિક બેંક પહોંચ્યા હતા.

બેંકમાં તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે તેમના ખાતામાંથી બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 73 હજાર અને રૂ. 87 હજાર મળીને કુલ રૂ. 1.60 લાખ અન્ય બેંકોના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. જેથી તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરી હતી. બાદમાં આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.