સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના વેપારીના ખાતામાંથી OTP વિના 68.31 લાખ રૂપિયા ઉપડ્યા

અમદાવાદના વેપારીના ખાતામાંથી OTP વિના 68.31 લાખ રૂપિયા ઉપડ્યા

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કંપની ચલાવતા 36 વર્ષીય વેપારીના કરન્ટ એકાઉન્ટમાંથી સાયબર ઠગએ 68.31 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા છે. આ ટ્રાન્સફર દરમિયાન વેપારીના મોબાઈલ પર કોઈ OTP કે નવી બેનિફિશિયરી ઉમેરાવાનો મેસેજ આવ્યો ન હતો.

ફરિયાદ મુજબ, 4 નવેમ્બરે બપોરે 1:30 વાગ્યાની આસપાસ વેપારી ધોલેરાથી ઓફિસે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમને બેન્ક ખાતામાંથી 10 લાખ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવ્યો. તેઓએ તરત જ બેન્કને ફોન કરીને ખાતું બંધ કરવા જણાવ્યું, પરંતુ તે દરમિયાન પણ અન્ય ટ્રાન્ઝેક્શનના મેસેજ આવતા રહ્યા.

તપાસમાં જાણવા મળ્યું કે હેકરે વેપારીની નેટ બેન્કિંગ એપ્લિકેશનની લિંકનો ડેટા ચોરીને સિસ્ટમમાં પ્રવેશ મેળવ્યો હતો. આ રીતે તેમણે જુદી-જુદી બેન્કોના ખાતામાં કુલ 68,31,539 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. છેતરપિંડીની જાણ થતાં વેપારીએ તેમના ભાગીદારને બેન્ક મોકલીને સાયબર હેલ્પલાઈન 1930 પર કોલ કરાવ્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી.