સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: ગરબા પરત ફરતા યુવકને માર મારી 1.50 લાખની બુલેટ લૂંટી, બે સામે ગુનો

અમદાવાદ: ગરબા પરત ફરતા યુવકને માર મારી 1.50 લાખની બુલેટ લૂંટી, બે સામે ગુનો

અમદાવાદના અસારવા ચમનપુરા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે ગરબા જોઈને પત્ની અને સંબંધીઓ સાથે પરત ફરી રહેલા 27 વર્ષીય ટેક્સી ડ્રાઇવર સાથે મારામારી કરી તેમની રૂ. 1.50 લાખની કિંમતની રોયલ એનફિલ્ડ બુલેટ લૂંટી લેવાની ઘટના સામે આવી છે. શાહીબાગ પોલીસે ઓભુ અને આકાશ નામના બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં અનિલ મિલ સામે રાધારમણ સોસાયટીમાં રહેતા અને છૂટક ટેક્સી ડ્રાઇવિંગ કરતા 27 વર્ષીય સાહિલ હર્ષદભાઈ મહેરીયા 18 ઓક્ટોબરની રાત્રે પરિવાર સાથે રોહિદાસનગર મેઘાણીનગર ખાતે ગરબા જોવા ગયા હતા. રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યે સાહિલ પત્ની સાથે બુલેટ પર અને તેમના સંબંધી નિલેશ પોતાના પરિવાર સાથે બીજા ટુ-વ્હીલર પર પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન અસારવા ચમનપુરા ખાતે બાપાલાલ ઘાંચીની ચાલીના ગેટ બહાર રોડ પર પાછળથી મોપેડ પર આવેલા બે અજાણ્યા શખ્સો ઓવરટેક કરતી વખતે ખાડાના કારણે સ્લીપ થઈને પડી ગયા હતા. તેમણે સાહિલને રોકીને "બાઇક કેમ અડાવી? મોપેડને નુકસાન થયું છે, તેનો ખર્ચો આપવો પડશે" કહીને તકરાર કરી હતી.

સાહિલે ના પાડતાં બંને શખ્સોએ ગડદાપાટુ અને મોઢા પર ફેંટો મારીને તેને લોહીલુહાણ કરી દીધો હતો. બચાવવા વચ્ચે પડેલા તેમના ભાઈ નિલેશ સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી.

દરમિયાન ઈજાગ્રસ્ત સાહિલે સારવાર કરાવી પૈસા આપવાની વાત કરી હોવા છતાં મોપેડ ચાલક ઓભુએ તેના સાથીદારને "આકાશ, તું મોપેડ ચલાવી લે, હું આ ભાઈની બુલેટ લઈ લઉં છું" કહીને સાહિલ પાસેથી રૂ. 1.50 લાખની કિંમતની રોયલ એનફિલ્ડ બુલેટ બળજબરીથી પડાવી લીધી અને બંને ફરાર થઈ ગયા હતા.

ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી. આ મામલે શાહીબાગ પોલીસે ઓભુ અને આકાશ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.