અમદાવાદના ખાડિયા ચાર રસ્તા નજીક સોમવારે ધોધમાર વરસાદ વચ્ચે ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે ત્રણથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મકાન ધરાશાયી થતાં જાનવીબેન રાણા, પાર્થ રાણા અને આશાબેન કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાટમાળ હટાવવાની અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્ત માતા-પુત્રી સહિત ત્રણ લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કાટમાળ નીચે દટાયેલા સોનલબેનને બહાર કાઢવા ફાયર બ્રિગેડના 35 જેટલા જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંદાજે ત્રણ કલાક સુધી કટરથી લોખંડના સળિયા કાપીને અને કાટમાળ હટાવીને સોનલબેનને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પરિવાર દુર્ઘટનાગ્રસ્ત મકાનમાં ભાડેથી રહેતો હતો. મકાન જૂનું અને જર્જરિત હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે તપાસ હાથ ધરી છે.