અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય બિલ્ડર આરીફ કુરેશીએ જમીનના લખાણ માટે થતી રૂ. 2 કરોડની ઉઘરાણી અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના 10 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી.
મૃતકના પુત્ર અબ્દુલહમીદ આરીફ કુરેશીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં જમીન માલિક દિલાવરખાન ઉમરખાન પઠાણ અને ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, આરીફ કુરેશીએ સપ્ટેમ્બર 2022માં તેમના મિત્ર દિલાવરખાન પઠાણ પાસેથી દાણીલીમડા ગામની 275 વાર જમીન રૂ. 1.65 કરોડમાં ખરીદી હતી. બાદમાં ટુકડે-ટુકડે અન્ય જમીનો પણ ખરીદી. દિલાવરખાને લગભગ 1500 વાર જમીનનો પાવર ઓફ એટર્ની કરી આપ્યો હતો, પરંતુ બાકીની 700 વાર જમીનના પૈસા ચૂકવાઈ ગયા હોવા છતાં લખાણ કે પાવર કરી આપ્યો નહોતો. જમીનના ભાવ વધતાં દિલાવરખાને બાકીની જમીનનો પાવર આપવા માટે વધુ રૂ. 2 કરોડની માગણી કરી અને પૈસા ન આપે તો ફ્લેટ ડિમોલિશન કરાવી દેવાની ધમકી આપી. તેમજ વારંવાર ઓફિસે બોલાવીને મારઝૂડ કરી અપમાનિત કર્યા હતા.
દિલાવરખાનના ત્રાસમાંથી છૂટવા માટે આરીફે પરિચિત ફિરોજખાન સુલતાનખાન (રહે. જ્યોતિ પાર્ક, શાહઆલમ) પાસે પૈસાની વ્યવસ્થા કરવા જણાવ્યું. ફિરોજખાને પોતાના પુત્ર પરવેજખાન પાસેથી 30% વ્યાજે રૂ. 20 લાખ અપાવ્યા. 2025 સુધીમાં વ્યાજ સહિત રૂ. 20 લાખ ચૂકવી દીધા હોવા છતાં પરવેજખાન અને ફિરોજખાન વારંવાર ઘરે આવીને વધુ નાણાંની ઉઘરાણી કરતા હતા. આ ઉપરાંત પરવેજખાને પોતાના મામા હકીમખાન વસીરખાન પઠાણ (રહે. રખિયાલ) પાસેથી રોજના રૂ. 15,000 વ્યાજ ચૂકવવાની શરતે રૂ. 15 લાખ વ્યાજે અપાવ્યા હતા.
ગત 23 સપ્ટેમ્બર 2026ના રોજ ફરિયાદી અને તેમના પિતા રિવરફ્રન્ટ પાસેથી પસાર થતા હતા ત્યારે પરવેજખાને પીછો કરીને રસ્તામાં રોકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બે માસ અગાઉ પરવેજખાન અને હકીમખાને ફરિયાદીના ઘરે જઈને મહિલા સભ્યોને ધમકાવી, ઘરમાં પૂરીને બહારથી તાળું મારી દીધું હતું. આરોપીઓના સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આરીફ કુરેશીએ આત્મહત્યા કરી લીધી. દાણીલીમડા પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.