અમદાવાદના પૂર્વ વિસ્તારના જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. તેમની લાશ તેમની જ મર્સિડીઝ કારની ડેકીમાંથી મળી આવી હતી. આ કેસમાં પોલીસે 5 અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી.
મૃતક બિલ્ડરના પુત્ર ધવલ રૂડાણીનું ઓઢવ પોલીસ સ્ટેશનમાં નિવેદન લેવામાં આવ્યું હતું. શકમંદ વ્યક્તિઓના નામ પણ પોલીસે પૂછ્યા હતા. ધવલે કેટલાક વ્યક્તિઓના નામ આપ્યા હતા, જેમાં બિલ્ડર મનસુખ લાખાણી અને તેમના દીકરા કિંજલ લાખાણીનું નામ પણ હતું. પોલીસે મનસુખ, કિંજલ સહિત 6 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બીજીતરફ ગ્રાઉન્ડ પરની પોલીસની ટીમ કાર વિરાટનગર બ્રિજ નીચે કેવી રીતે પહોંચી તેની તપાસ કરી રહી હતી.
મર્સિડીઝ કયા રૂટ પરથી આવી તે એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોઈ શકાય તેમ હતું. જેથી પોલીસે ધવલ પટેલના મોબાઇલમાં મર્સિડીઝ કંપનીની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેનો મોબાઇલ નંબર નાખી લોગ ઇન કરાવવાનો પ્રયાસ કર્યો, પણ લોગ ઇન થયું નહોતું. આ પછી હિંમતભાઇનો મોબાઇલ નંબર નાખીને પણ જોયું, તેમ છતાં લોગ ઇન ન થયું. મર્સિડીઝ અગાઉ બીજા કોઈની માલિકીની હતી, એટલે તેના નંબરથી જ લોગ ઇન થઈ શકે તેમ હતું. જેથી પોલીસે આ પ્રયાસ પડતો મૂક્યો અને CCTV પર મદાર વધાર્યો.
CCTV ચેક કરતાં 2 અજાણ્યા યુવકો હિંમતભાઇની કાર લઈને બ્રિજ નીચે આવતા દેખાયા હતા. આ યુવકોએ બ્રિજ નીચે કાર પાર્ક કરી હતી અને પછી ત્યાંથી ચાલતા ચાલતા થોડે આગળ જઈ એક પલ્સર બાઇક પર બેસી ગયા હતા. જેથી પોલીસે પલ્સર બાઇક ક્યાંથી આવ્યું તે રિવર્સ CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યા અને બીજી તરફ બાઇકનો નંબર પણ મેળવી લીધો હતો.
નંબરના આધારે પોલીસ બાઇકના માલિક સુધી પહોંચી હતી. માલિક ઘરે હાજર મળ્યો હતો. જેની પૂછપરછ કરતાં તેણે આ બાઇક ચલાવવા માટે પોતાના ઓળખીતા હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડને આપી હતી. હવે પોલીસ રાહુલને પકડવામાં લાગી. એક ટીમ તેના ઘરે પહોંચી ત્યારે રાહુલ હાજર નહોતો, એટલે પોલીસે તેનો મોબાઇલ નંબર મેળવીને ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો, પણ નંબર બંધ આવતો હોવાથી ટ્રેસ થઈ શક્યો નહતો.
PI બી.પી.સાવલિયાને ટેકનિકલ નોલેજ વધારે હતી. તેમણે એનાલિસિસ કરીને રાહુલનો બીજો નંબર શોધી કાઢ્યો હતો. આ નંબર ચાલુ હતો એટલે પોલીસ માટે તેને ટ્રેસ કરવો શક્ય બન્યો હતો.
ધવલે જે શકમંદોના નામ આપ્યા હતા તેની પોલીસે કડક પૂછપરછ કરી, પણ કોઈએ મોંઢું ખોલ્યું નહોતું, એટલે રાહુલ પકડાય તો જ કેસનો ભેદ ઉકેલાય તેમ હતું. પોલીસે રાહુલના નંબરનું લોકેશન કઢાવ્યું તો તે બનાસકાંઠાના અમીરગઢ પાસે મળી આવ્યું. આ લોકેશન અમદાવાદથી અંદાજે 182 કિલોમીટર દૂર હતું. જો અમદાવાદ પોલીસ અમીરગઢ જવા રવાના થાય તો 4થી 5 કલાક લાગી જાય તેમ હતા. આટલી વારમાં તો રાહુલ હાથમાંથી નીકળી જાય તેમ હતો. વળી, લોકેશન સતત મૂવ થતું રહેતું હતું, જેથી આરોપી બાઇક પર જ ભાગી રહ્યો હોવાની આશંકા હતી, એટલે અમદાવાદ પોલીસે બનાસકાંઠા SP સાથે સંકલન કરી ત્યાંની પોલીસની મદદ લીધી.
અમદાવાદથી પોલીસ લાઇવ લોકેશન આપતી જેના આધારે બનાસકાંઠા LCBની ટીમ આરોપી તરફ જઈ રહી હતી, પણ આ ટીમ આરોપીથી ઘણી દૂર હતી. જોગાનુજોગ બનાસકાંઠા પોલીસની એક ટીમ રાજસ્થાન તરફથી આવતી હતી, એટલે તેને આ અંગે જાણ કરાઈ. જેથી એ બીજી ટીમ લોકેશનની નજીક પહોંચી ગઈ હતી. લોકેશન જે સ્પીડથી મૂવ થઈ રહ્યું હતું તેને જોતાં પોલીસને લાગ્યું કે આટલી ઝડપે તો બાઇક ન ચલાવી શકાય, નક્કી આરોપીઓ કારમાં ભાગતા હોવા જોઈએ.
LCBની ટીમે તપાસ કરી, પરંતુ ક્યાંય કાર ન મળી. જો કે રસ્તામાં લક્ઝરી બસ પૂર ઝડપે જઈ રહી હોવાનું ધ્યાને આવ્યું હતું, એટલે હવે નવો ટ્વીસ્ટ આવ્યો. પહેલાં પોલીસ માનતી હતી કે આરોપીઓ કારમાં ભાગ્યા હશે, પણ લોકેશન પર લક્ઝરી બસ મળતા આરોપીઓ તેમાં હોવાનું કન્ફર્મ થયું હતું. રાજસ્થાન બોર્ડર પાસેના એક ઢાબા પર 2-3 લક્ઝરી ઊભી રહી ત્યારે લોકેશન મૂવ થતું બંધ થઈ ગયું હતું. બસનો પીછો કરતાં-કરતાં LCBની ટીમ પણ ઢાબા પર પહોંચી હતી.
હવે અહીં પોલીસ સામે બીજો એક પડકાર હતો. 2-3 બસ હતી, એટલે આરોપીઓ કઈ બસમાં હશે તે નક્કી નહોતું. જો પોલીસ ઢાબા પર પહોંચી છે તેવી જાણ આરોપીઓને થઈ જાય તો તે ભાગી જાય તેમ હતું, એટલે પોલીસે કુનેહપૂર્વક કામ લીધું. પોલીસે કોઈ મૂવમેન્ટ કરવાને બદલે યોગ્ય સમયની રાહ જોઈ અને પછી બસ રોકીને આરોપીને ઝડપી લીધો.