અમદાવાદ: પૂર્વ અમદાવાદના જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની લોહીલુહાણ લાશ તેમની સફેદ મર્સિડીઝ કારની ડેકીમાંથી મળી આવી છે. તેઓ પાટીદાર સમાજના અગ્રણી પણ હતા. પરિવારમાં પત્ની, પુત્ર ધવલ, પુત્રવધૂ અને એક પૌત્રી છે. ધવલ પણ પિતા સાથે બાંધકામના વ્યવસાયમાં જોડાયેલો છે અને અલગ અલગ સાઇટ સંભાળે છે. હિંમતભાઇ વર્ષોથી જાતે જ કાર ચલાવતા હતા.
13 સપ્ટેમ્બરે સવારે 10:30 વાગ્યાની આસપાસ હિંમતભાઇ તેમની મર્સિડીઝ લઇને ભાટ સર્કલ તરફ જવા રવાના થયા હતા, જ્યાં તેમનો નવો બંગલો બની રહ્યો હતો. સાઇટ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં દીકરો ધવલ સામે મળ્યો. ધવલે કાર રિવર્સ લઈને રસ્તા વચ્ચે પિતાને મળવા માટે ઊભી રાખી. બાપ-દીકરાએ લગભગ એક મિનિટ સુધી સાઇટના કામ અંગે વાત કરી અને પછી બંને છૂટા પડ્યા. ત્યારબાદ ધવલ હંસપુરા પાસેની નવી સાઇટ તરફ ગયો અને ત્યાંથી કામ પતાવીને સોલા હાઇકોર્ટ ગયો. બપોરે લગભગ 3 વાગ્યે હાઇકોર્ટનું કામ પતાવીને ધવલ હંસપુરા ખાતેની સાઇટ ઓફિસે પાછો આવ્યો હતો.
રોજની જેમ ધવલ અને હિંમતભાઈ બપોરે સાથે જ જમતા હતા. 13 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યે ધવલે જમવા માટે પિતાને ફોન કર્યો, પણ ફોન સ્વીચ ઓફ આવ્યો. સાંજે 5 વાગ્યે ફરી ફોન કર્યો ત્યારે પણ ફોન સ્વીચ ઓફ જ હતો. હિંમતભાઇ ક્યારેય આટલા લાંબા સમય સુધી ફોન બંધ રાખતા નહોતા, એટલે ધવલને ચિંતા થઇ. ચિંતામાં ધવલે માતાને ફોન કરીને પૂછ્યું કે પપ્પા ઘરે આવ્યા છે? માતાએ પણ ના પાડી. સાંજે 7:30 વાગ્યા સુધી તેણે પિતાને સતત ફોન કર્યા, પણ ફોન બંધ જ હતો. હવે ધવલના મનમાં ચિંતા કંઈક અજુગતું બન્યાની આશંકામાં ફેરવાઇ રહી હતી. તેણે સગા-સંબંધીઓને એક પછી એક ફોન કર્યા અને પિતા વિશે પૂછપરછ કરી, પણ ક્યાંયથી કોઇ માહિતી મળી નહીં.
હિંમતભાઇ ઘણીવાર નિકોલ પોતાના કામથી જતા હતા, એટલે અંદાજે 7:45 વાગ્યે ધવલ સાઇટ ઓફિસેથી નીકળીને નિકોલ ગયો અને હિંમતભાઇ જ્યાં હોવાની શક્યતા હતી તે બધી જગ્યાએ જોયું, પણ ક્યાંય તેમનો પત્તો લાગ્યો નહીં. આખરે તેણે કાકા હસમુખભાઇના દીકરા ચિરાગને ફોન કરીને કહ્યું, "મારે તારું એક કામ છે, પપ્પાનો ફોન બપોરથી સ્વીચ ઓફ આવે છે અને ક્યાંય મળતા નથી, કંઈક ડખો લાગે છે." ભાઇનો આવો ફોન આવતા ચિરાગને પણ ફાળ પડી. તેણે ફોન પર જ ધવલને સાંત્વના આપી કે, "તું ચિંતા નહીં કર, તારા પપ્પા મળી જશે." આ વાતચીત પછી ધવલ અને ચિરાગ બન્ને વિજય પાર્ક ચાર રસ્તા પાસે મળ્યા અને સાથે રહીને હિંમતભાઇની શોધખોળ શરૂ કરી.
ધવલે તેના એક પરિચિત મારફતે હિંમતભાઇની ભાળ મેળવવાનો પ્રયાસ કર્યો, જેમાં સફળતા મળી. રાતે લગભગ 9 વાગ્યે તેને જાણવા મળ્યું કે વિરાટનગર ચાર રસ્તાથી સોનીની ચાલી તરફ જતા રસ્તા પર વિરાટનગર બ્રિજ નીચેના પાર્કિંગમાં પિતા હિંમતભાઇની સફેદ મર્સિડીઝ કાર પાર્ક કરેલી છે. આ માહિતી મળ્યા બાદ તે તરત જ એ એડ્રેસ પર પહોંચી ગયો. કારની નજીક જઇને અંદર જોયું તો કોઇ નહોતું. કાર લોક થયેલી હતી. તેને લાગ્યું કે કદાચ પપ્પા અહીં કાર પાર્ક કરીને કોઇ કામથી બીજે ગયા હશે, એટલે તેણે આસપાસ લારી-ગલ્લાવાળાઓને પૂછ્યું, પણ કોઇને ખબર નહોતી કે ગાડી કોણ પાર્ક કરી ગયું. તેણે તરત બીજા મિત્રો અને પિતરાઇ ભાઇને એ જગ્યા પર બોલાવી લીધા.
દરમિયાન ધવલે ઘરેથી કારની બીજી ચાવી મંગાવી લીધી હતી. ચાવી આવે ત્યાં સુધી તેણે મોબાઇલની લાઇટથી કારની અંદર તપાસ કરી ત્યારે પાછળની સીટમાં લોહીવાળો રૂમાલ દેખાયો. રૂમાલ જોતા જ ધવલનાં પગ ધ્રૂજી ગયા. તેણે તાત્કાલીક પોલીસને જાણ કરી. આ બધામાં અંદાજે 25 મિનિટ જેટલો સમય વીતી ગયો. બીજીતરફ ઘરેથી મંગાવેલી ચાવી પણ ધવલના હાથમાં પહોંચી ગઇ હતી. તેણે એ ચાવીથી કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પણ સેલ પૂરા થઇ ગયા હોવાથી દરવાજો ખૂલ્યો નહીં. તેણે પાસેની દુકાનેથી નવા સેલ નખાવ્યા અને ફરીથી કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. આ વખતે દરવાજો ખૂલી ગયો. પાછળની સીટમાં લોહીવાળો રૂમાલ પડ્યો હતો. ધવલે રૂમાલ જોયો તો એ તેના પિતાનો જ હતો. તેણે સીટની નીચેના ભાગમાં અને આગળ બધે તપાસ કરી.
હવે તેના મગજમાં વિચાર આવ્યો કે લાવને ડેકી ખોલીને જોઇ જઉં. તેણે જેવી ડેકી ખોલી કે મોંઢામાંથી ચીસ નીકળી ગઇ. ડેકીમાં હિંમતભાઇની લોહીલુહાણ લાશ પડી હતી. નજર સામે પિતાની લાશ જોઇને ધવલના હોંશ ઊડી ગયા. સાથે રહેલા પિતરાઇ ભાઇએ તેને સંભાળ્યો અને 108માં ફોન કર્યો. થોડીજ વારમાં 108ની ટીમ ત્યાં આવી પહોંચી. તપાસ કરી તો હિંમતભાઇના શરીર પર છાતી અને [અન્ય ભાગો પર ઇજાઓ જોવા મળી]. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.