સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના દાણીલીમડામાં BRTS કોરિડોરમાં 55 વર્ષીય આધેડને અજાણ્યા વાહને ટક્કર મારી, સારવાર દરમિયાન મોત

અમદાવાદના દાણીલીમડામાં BRTS કોરિડોરમાં 55 વર્ષીય આધેડને અજાણ્યા વાહને ટક્કર મારી, સારવાર દરમિયાન મોત

અમદાવાદના દાણીલીમડા-નારોલ રોડ પર BRTS વર્કશોપ સ્ટેન્ડ નજીક આવેલા BRTS કોરિડોરમાં 30 સપ્ટેમ્બરની રાત્રે રસ્તો ક્રોસ કરી રહેલા 55 વર્ષીય જમલુદ્દીન ઇદ્રીશીને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. ગંભીર ઇજા થતાં તેમને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 1 ઓક્ટોબરે રાત્રે સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, દાણીલીમડા વિસ્તારમાં રહેતા જમલુદ્દીન ઇદ્રીશી પીપળજ સ્થિત કુમાર કોટન કંપનીમાં નોકરી કરતા હતા. તેમનો પુત્ર ખુશનુર ઇદ્રીશી દાણીલીમડામાં કાપડનું કામ કરે છે. 30 સપ્ટેમ્બરની રાત્રે જમલુદ્દીન તેમના પુત્રને મળવા આવ્યા હતા અને ત્યારબાદ પોતાની રૂમ પર પરત જવા નીકળ્યા હતા. બીજા દિવસે પિતાએ વારંવાર ફોન કરવા છતાં ફોન ન ઉપાડતાં પુત્ર તેમની શોધખોળમાં નીકળ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણ થઈ કે ગત રાત્રે BRTS વર્કશોપ સ્ટેન્ડ પાસેના BRTS કોરિડોરમાંથી રસ્તો ક્રોસ કરતી વખતે એક અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા.

અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઇજાગ્રસ્ત જમલુદ્દીનને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ મામલે મૃતકના પુત્રએ કે-ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વાહનની શોધખોળ કરી રહી છે.