સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: કરિયાવરમાંથી ગાયબ પિત્તળનાં વાસણો, હવે માણેકચોક બજારમાં વેચાવા લાગી બાપ-દાદાની અમાનત

અમદાવાદ: કરિયાવરમાંથી ગાયબ પિત્તળનાં વાસણો, હવે માણેકચોક બજારમાં વેચાવા લાગી બાપ-દાદાની અમાનત

એક સમયે ગુજરાતનાં ગામડાંમાં ઘરની ઓળખ ચકચકતા પિત્તળનાં વાસણો પરથી થતી હતી. બેડા, ચરુ, તપેલા અને ત્રામ્બા-પિત્તળનાં વાસણો ઘરને સમૃદ્ધ લુક આપતાં. ખાસ કરીને દીકરીના લગ્નમાં કરિયાવરમાં પિત્તળનાં વાસણો આપવાની પ્રથા પરંપરા અને પ્રતિષ્ઠાનું પ્રતીક ગણાતી. પરંતુ હવે શહેરીકરણ અને બદલાતી જીવનશૈલીના કારણે આ પરંપરા ધીમે ધીમે ભૂતકાળ બની રહી છે.

આજના આધુનિક યુગમાં મોડ્યુલર કિચન, સ્ટેનલેસ સ્ટીલ અને કટલરીએ પિત્તળનાં વાસણોને પાછળ ધકેલી દીધાં છે. નવી પેઢીને પિત્તળનાં વાસણો સાફ કરવાની અને સાચવવાની મજૂરી ભારે લાગે છે. પરિણામે, જે વાસણો ક્યારેક ઘરનું ઘરેણું ગણાતાં, તે હવે માળિયામાં કે પેટીઓમાં બંધ થઈ ગયાં છે.

હાલમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં પિત્તળનો ભાવ પ્રતિ કિલો આશરે ₹1,700 સુધી પહોંચ્યો છે. આ ઊંચા ભાવ અને શહેરીકરણના પ્રભાવને લીધે લોકો પોતાના ઘરના કે બાપ-દાદાના સમયના જૂના પિત્તળનાં વાસણો વેચવા માટે અમદાવાદના ઐતિહાસિક માણેકચોક વાસણ બજારમાં આવી રહ્યા છે.

એક સમયે દીકરીના કરિયાવરની શોભા વધારતાં અને ઘરને ધબકતું રાખતાં આ વાસણો આજે માણેકચોકની કાંસા-પિત્તળની દુકાનોના શો-કેસ અને પતરાં પર ગોઠવાઈ ગયાં છે. જૂનાં વાસણોના વેપારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી ગામડાંમાંથી જૂનાં પિત્તળનાં વાસણો વેચવા આવનારા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ભાવ સારા મળતા હોવાથી લોકો પોતાનાં જૂનાં વારસાગત વાસણો રોકડમાં વટાવી રહ્યા છે.

પરંપરાનું આ પરિવર્તન દર્શાવે છે કે આધુનિકતાની દોડમાં આપણે ભૌતિક રીતે ભલે આગળ વધી રહ્યા હોઈએ, પણ આપણો સાંસ્કૃતિક વારસો હવે માત્ર માણેકચોકના બજારોની શોભા બનીને રહી ગયો છે.