અમદાવાડમાં આઠ શાળાઓ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે મોકલાયેલા ઈમેલમાં ગાયક દિલજીત દોસાંજને અમદાવાદમાં તેના કોન્સર્ટ દરમિયાન અને અભિનેતા અમિતાભ બચ્ચનને મુંબઈમાં બ્લાસ્ટમાં મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
બીજી તરફ, જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસના જામીન આપ્યા છે. વસાવાના નાના ભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને હાલ તેઓ સારવાર હેઠળ છે. તેમને મળવા માટે જ વસાવાને જામીન મળ્યા છે.
લોકતંત્ર બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ અને રાજકોટમાં પદયાત્રા કાઢી રહી છે. અમદાવાદમાં જે. પી. નડ્ડા, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાશે. સાંજે ચાર વાગ્યાથી યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી અખબારનગર સર્કલથી આરટીઓ સુધીના બંને તરફના રસ્તા બંધ રહેશે.
રાજ્યમાં વધુ બે ક્લાસ-1 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. સફાઈ કામદાર વિકાસ નિગમના એમડી સહિત બે અધિકારીઓને ઘર ભેગા કરાયા છે, જ્યારે આઈપીએસ અધિકારી જગદીશ પટેલનો પણ ટૂંક સમયમાં વારો આવી શકે છે.
ગાંધીનગરમાં 35થી વધુ સરકારી કોન્ટ્રાક્ટરોએ મોરચો બનાવ્યો છે. તેમનો આરોપ છે કે 30 કરોડ રૂપિયાની ચુકવણી અટવાઈ ગઈ છે. 2025થી માર્ગ અને મકાન વિભાગમાં નાણાં બાકી હોવાનો તેમનો દાવો છે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરોએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને પીવાના પાણીના પ્રશ્નો સહિતના મુદ્દા ઉઠાવ્યા છે. કોર્પોરેટરોએ તુકારામ મુંઢે જેવી કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
સુરતમાં પાવર કટની સમસ્યા વચ્ચે ફ્યુઅલ ચાર્જમાં 70 પૈસાનો વધારો થયો છે. લાઈટ બિલના વધારાને કારણે 450 મિલો પર સંકટ ઊભું થયું છે. દર મહિને 5 લાખ રૂપિયાના બોજાને કારણે મિલ માલિકોની હાલત કફોડી બની છે.
અમદાવાદના ચાંદખેડામાં 12 વર્ષની સગીરા સાથે પિતા-પુત્રએ અડપલાં કર્યાનો આક્ષેપ થયો છે. આ મામલે બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. આરોપીએ છરીથી હુમલો કર્યો હતો, જ્યારે તેની પત્નીએ સગીરાની માતાની આંખમાં મરચાંની ભૂકી નાખી હતી.
સુરતમાં દિવાળીના ટાણે ખાનગી બસ સંચાલકો રત્નકલાકારો પાસેથી બમણાં-ત્રણગણા ભાડાં વસૂલી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે રોષ ફેલાયો છે અને યુનિયને કડક કાર્યવાહીની માગ કરી છે.
એકતાનગરના લીમડી ગામમાં 2.62 કિલોમીટર લાંબી ફોરેસ્ટ ઈકો-ટ્રેઇલ વિકસાવવામાં આવી છે. ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’માં પાંચ થીમેટિક ઝોનમાં ભારતની વિવિધતાનું પ્રદર્શન કરાશે. 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે.