અમદાવાદમાં શાળાઓ, મેયર ઓફિસ, ગુજરાત હાઈકોર્ટ, વિવિધ કોર્ટ સંકુલો અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિતનાં સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીવાળા ઈમેઈલ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની કડી સામે આવી છે. સાયબર ક્રાઈમે આ મામલે બે અલગ-અલગ ગુના નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસ પ્રમાણે, હેક થયેલા જૂના Gmail એકાઉન્ટનો ઉપયોગ કરીને ટેલિગ્રામ અને વોટ્સએપ મારફતે ધમકીભર્યા ઈમેઈલ મોકલવામાં આવ્યા હતા. 7 તારીખે Denise Long અને wj ken જેવી ખોટી ઓળખ ઊભી કરીને bonnieebanks49@gmail.com અને kwajlds@gmail.com પરથી આ ઈમેઈલ મોકલાયા હતા. ઈમેઈલમાં શાળાઓને નિશાન બનાવવાની ધમકી સાથે ખાલિસ્તાની લખાણોનો પણ ઉલ્લેખ હતો. ધમકીમાં શહેરની 10 શાળાઓ, મેયર ઓફિસ, ગુજરાત હાઈકોર્ટ, સોલા કોર્ટ, મેટ્રો કોર્ટ, અન્ય કોર્ટ સંકુલો અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ 16 સ્થળોનો સમાવેશ હતો.
તપાસ કરી રહેલી ટીમોએ અલગ-અલગ શાળાઓ અને કોર્ટ સંકુલોની મુલાકાત લઈને ઈમેઈલના હેડર મેળવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ઈમેઈલ એકાઉન્ટ બાંગ્લાદેશ સાથે જોડાયેલું હોવાનું અને ધમકીભર્યા ઈમેઈલ બાંગ્લાદેશ તથા પાકિસ્તાનના રાવલપિંડીથી ઓપરેટ થયા હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ 27 ઓક્ટોબર, 2026ના રોજ reduak079@gmail.com પરથી ફરી એક ધમકીભર્યો ઈમેઈલ આવ્યો હતો. તેમાં અમદાવાદની 14 શાળાઓ, દાણાપીઠમાં આવેલી મેયર ઓફિસ, ગુજરાત હાઈકોર્ટ, મેટ્રો કોર્ટ, ઘીકાંટા કોર્ટ, સિટી સિવિલ કોર્ટ અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત 19 સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે પણ સાયબર ક્રાઈમે ગુનો નોંધીને તપાસ કરતાં ઈમેઈલનું કનેક્શન બાંગ્લાદેશના રંગપુર અને પાકિસ્તાનના લાહોર સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું હતું.
અગાઉ ખાલિસ્તાની સંગઠનના નામે મળેલી ધમકીઓની તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેણે હેક થયેલા Gmail એકાઉન્ટ બાંગ્લાદેશના એક શખ્સને વેચ્યા હોવાની કબૂલાત આપી હતી. ત્યારબાદ આ એકાઉન્ટ પાકિસ્તાનના શખ્સ સુધી પહોંચ્યું હતું અને તેના બદલામાં ક્રિપ્ટોકરન્સી મારફતે ચુકવણી કરવામાં આવી હતી. તપાસમાં આ એકાઉન્ટનો ઉપયોગ ભારતમાં તહેવારો અને મહત્ત્વનાં આયોજનો દરમિયાન ભયનો માહોલ ઊભો કરવા માટે કરવામાં આવતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ હાથ ધરી રહી છે.