અમદાવાદ શહેરની શાળાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઓફિસ, ગુજરાત હાઈકોર્ટ, સિવિલ કોર્ટ અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ 16 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઈમેલ મોકલાયા હતા. આ ઈમેલ મોકલવા પાછળ પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નેટવર્ક સક્રિય હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
સાયબર ક્રાઈમ વિભાગના ડીસીપી લવિના સિન્હાએ આ ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, 7મી તારીખે Denise Long અને wj ken નામની ખોટી ઓળખ ઊભી કરીને bonnieebanks49@gmail.com અને kwajlds@gmail.com પરથી ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. આ ઈમેલમાં 'Time 8:00 AM at Gujarat Schools @11:11AM' તેમજ ખાલિસ્તાની લખાણો સાથે ધમકી આપવામાં આવી હતી.
ધમકીવાળા ઈમેલમાં 10 શાળાઓ, મેયરની ઓફિસ, ગુજરાત હાઈકોર્ટ, સોલાની મેટ્રો કોર્ટ, જિલ્લા સેશન્સ કોર્ટ અમદાવાદ શહેરની ચાર અદાલતો અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ એમ કુલ 16 જગ્યાઓનો ઉલ્લેખ હતો. તપાસ દરમિયાન ટીમોએ અલગ-અલગ શાળાઓ અને કોર્ટ સંકુલની મુલાકાત લઈને જી-મેલના હેડર મેળવ્યા હતા.
ત્યારબાદ 27 ઓક્ટોબરે reduak079@gmail.com પરથી ફરી એક ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. તેમાં શહેરની 14 શાળાઓ, દાણાપીઠની મેયરની ઓફિસ, ગુજરાત હાઈકોર્ટ, મેટ્રો કોર્ટ, ઘીકાંટાની કોર્ટ, સિટી સિવિલ કોર્ટ અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત 19 જગ્યાઓનો ઉલ્લેખ હતો. આ અંગે સાયબર ક્રાઈમ વિભાગમાં બીજો ગુનો નોંધાયો હતો. વિગતો મંગાવતાં આ ઈમેલ બાંગ્લાદેશના રંગપુર અને પાકિસ્તાનના લાહોરથી ઓપરેટ થયાનું સામે આવ્યું હતું.
અગાઉ ખાલિસ્તાની સંગઠનના નામે આવેલી ધમકીઓની તપાસમાં પશ્ચિમ બંગાળમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે, આરોપીએ હેક કરેલા જી-મેલ એકાઉન્ટ બાંગ્લાદેશના એક શખ્સને વેચ્યા હતા. બાંગ્લાદેશના એ શખ્સે આ એકાઉન્ટ પાકિસ્તાનના એક શખ્સને વેચ્યું હતું, જેના બદલામાં ક્રિપ્ટોકરન્સી મારફતે પેમેન્ટ કરવામાં આવ્યું હતું.
તપાસમાં એ પણ જાણવા મળ્યું કે પાકિસ્તાની તત્વો ભારતમાં તહેવારો અને મહત્ત્વના આયોજનો વખતે ભયનો માહોલ ઊભો કરવા માટે ટેલિગ્રામ અને વોટ્સએપ દ્વારા આવા હેક થયેલા ઈમેલ એકાઉન્ટ ખરીદી રહ્યા છે. આ મામલે તપાસ ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.