અમદાવાદમાં ગત શનિવારે (10 ઓક્ટોબર) બપોરે 3:30 વાગ્યે એક પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. આ ઘટનાને આજે પાંચ દિવસ વીતી ગયા છે, છતાં મહાનગરપાલિકાના તંત્રને બાળકીનો કોઈ પત્તો મળ્યો નથી.
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા, અદ્યતન ટેકનોલોજીના દાવા અને રૂ. 18,000 કરોડનું બજેટ ધરાવતી AMC પાંચ દિવસથી બાળકીને શોધી શકી નથી. TV9 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. બાળકી જ્યાં પડી હતી ત્યાં તપાસ કરવામાં આવી નથી અને મીડિયા આવે ત્યારે જ કામગીરીનો દેખાવ કરવામાં આવે છે.
સૌથી મોટી બેદરકારી એ છે કે સાબરમતી નદીમાં ડ્રેનેજ લાઇનનું STP પ્લાન્ટ પછીનું પાણી જ્યાં છોડવામાં આવે છે તે ડિસ્ચાર્જ પોઈન્ટ પર પાંચ દિવસમાં એક પણ ટીમને તપાસ માટે મોકલવામાં આવી નથી. જો બાળકી પાણીના પ્રવાહમાં તણાઈને અહીંથી પસાર થઈ જાય તો પણ કોઈને ખબર નહીં પડે, કારણ કે ત્યાં કોઈ મોનિટરિંગ જ નથી.
ઘટના બન્યા બાદ આજ સુધી એક પણ ઉચ્ચ અધિકારીએ સ્થળ પર જઈને તપાસ કરવાની તસ્દી લીધી નથી. અગાઉ નદીમાં રોબોટ મુકીને મૃતદેહ શોધવાના અને અદ્યતન ટેકનોલોજીના દાવા કરવામાં આવ્યા હતા, તો હવે એ રોબોટ ક્યાં ગયા? AMC CCTV તપાસ અને ડ્રેનેજની સફાઈના દાવા કરે છે, પરંતુ એક બાળકીને શોધી શકતું નથી.
જ્યારે કોઈ મંત્રી માત્ર મુલાકાતે આવવાના હોય છે ત્યારે રાતોરાત તમામ મશીનરી કામે લગાડીને રસ્તા ચમકાવી દેવામાં આવે છે. તો સવાલ એ છે કે આ ઘટનામાં મશીનરી કેમ નથી લગાડવામાં આવી? શું મનપાને એક શ્રમજીવી પરિવારની બાળકીને શોધવામાં રસ નથી? જો કોઈ વગદાર પરિવારનું બાળક હોત તો શું આ જ ઢબે કામગીરી થતી? આ સવાલો તંત્રને ખૂંચવા જોઈએ.
બાળકીના માતાપિતાની માનસિક સ્થિતિ અત્યંત પીડાદાયક છે. તેઓ બોલવાની સ્થિતિમાં નથી, છતાં બાળકીના પિતાએ અશ્રુભીની આંખે જણાવ્યું કે, "અમે બાળકી જે હાલતમાં મળે તેના માટે અમારાથી બનતું બધું જ કરવા તૈયાર છીએ." તેમના ચહેરા પર બાળક ગુમાવ્યાની પીડા સ્પષ્ટ દેખાય છે. હવે તંત્ર સામે મોટો સવાલ એ છે કે આટલી અદ્યતન ટેકનોલોજી હોવા છતાં એક બાળકીને શોધવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે?