અમદાવાદના પીપળજ વિસ્તારમાં 10 ઓક્ટોબરે ખુલ્લી ગટરમાં પડી ગયેલી 10 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ બાળકીને 11 દિવસ વીતી ગયા છતાં હજુ સુધી શોધી શકાઈ નથી. બાળકી તેની માતા સાથે હતી ત્યારે રિક્ષાચાલકને ભાડું ચૂકવવા દરમિયાન અકસ્માતે ગટરમાં પડી ગઈ હતી. ત્યારથી ફાયર વિભાગની ટીમ સતત શોધખોળ કરી રહી છે.
મંગળવારે બપોરે નદીના એક ભાગમાંથી અંગના કેટલાક ટુકડા મળી આવ્યા હતા. આ ટુકડા ગુમ થયેલી બાળકીના છે કે પ્રાણીના, તે અંગે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી. ફાયર વિભાગની ટીમે પોલીસને જાણ કરતાં ટુકડાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના અહેવાલ બાદ જ સ્પષ્ટતા થશે.
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણીનો સતત પ્રવાહ અને મોટા પ્રમાણમાં કાદવ હોવાથી શોધખોળ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. 11 દિવસથી ચાલી રહેલા ઓપરેશનમાં હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે જે ડ્રેનેજ લાઇનમાં બાળકી પડી હતી, તેને હવે માટી નાખીને ઢાંકી દેવામાં આવી છે. આ પગલાં બાદ શોધખોળની ઝુંબેશ ધીમે-ધીમે બંધ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે, બાળકીની ભાળ મળી નથી અને નદીમાંથી મળેલા ટુકડાઓની ઓળખ પણ બાકી છે.
અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે અને કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની તૈયારી કરી રહ્યું છે. કોર્પોરેશનનું વાર્ષિક બજેટ 18 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આવા સંજોગોમાં આધુનિક સાધનો અને મોટા બજેટના દાવા વચ્ચે બાળકીને શોધવામાં તંત્રની નિષ્ફળતા સવાલો ઉભા કરી રહી છે.