અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર 10 ઓક્ટોબરે સાંજે ચાર વાગ્યાની આસપાસ એક કરુણ ઘટના બની છે. 9 વર્ષની દૃષ્ટિહીન બાળકી મનીષા સલાટ ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. તે ગટર આશરે 20 ફૂટ ઊંડી હતી. બાળકી પરિવાર સાથે રિક્ષામાંથી ઉતરી હતી. તેની માતા રિક્ષાનું ભાડું ચૂકવી રહી હતી, તે દરમિયાન બાળકી બે ડગલાં પાછળ ચાલી અને ગટરમાં ખાબકી ગઈ.
ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી. ફાયર અધિકારી પ્રિતેશ ગઢવીએ જણાવ્યું કે, બાળકી ગટરમાં પડી ત્યારે ત્યાં ગટર લાઇનનું કામ ચાલી રહ્યું હતું. નીચે પાણીનો પ્રવાહ હોવાથી બાળકી તણાઈને આગળ જતી રહી હોવાની શંકા છે.
બાળકીની શોધખોળ માટે ફાયર વિભાગની બે ટીમો સતત પ્રયત્નો કરી રહી છે. ગટરમાં ઉતરેલા ફાયરકર્મી પ્રકાશભાઈએ જણાવ્યું કે, નીચે 15 ફૂટ જેટલું ડ્રેનેજ અને કેમિકલવાળું પાણી હોવાથી અંદર જવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે ઉમેર્યું કે, બીજી ટીમ આગળની તપાસ કરી રહી છે.
ઘટનાની જાણ થતાં મેયર હિતેશ બારોટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશનની માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું કે, 35 ફૂટ નીચે બે લાઇનો જાય છે, તેથી આગળ નદી અને કેનાલ પાસે પણ બાળકીની શોધખોળ ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, અહીં બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને ગટરનું ઢાંકણું AMC દ્વારા ખોલવામાં આવ્યું ન હતું. ત્યારે ઢાંકણું કોણે ખુલ્લું મૂક્યું તે અંગે પ્રશ્નો ઊઠી રહ્યા છે.
બાળકીની માતા પારુંબેને જણાવ્યું કે, તેઓ ગણેશનગરના છાપરામાંથી 4 અને 7 વર્ષના પુત્ર તથા 10 વર્ષની પુત્રીને લઈને કેનાલ પાસે નહાવા ગયા હતા. ત્યાંથી રિક્ષામાં પરત ઘરે જઈ રહ્યા હતા. પીપલજ ઓક્ટ્રોય નાકા પાસે રિક્ષામાંથી ઉતર્યા ત્યારે આ ઘટના બની. બાળકીના પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
છેલ્લા ત્રણ કલાકથી ફાયર વિભાગ શોધખોળ કરી રહ્યું છે, પરંતુ બાળકીની ભાળ મળી નથી. ફાયર વિભાગની ટીમે એક કિલોમીટર ત્રિજ્યામાં લાઇન ચેકિંગ હાથ ધર્યું છે. એક તરફ નારોલ-સરખેજ કોરિડોરની કામગીરી અને બીજી તરફ સ્ટ્રીટ લાઇટના અભાવ તથા નીચે પાણીનો પ્રવાહ હોવાથી ફાયર ટીમને મુશ્કેલી પડી રહી છે.