અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર શાસ્ત્રી બ્રિજ પાસે એક ગંભીર ઘટના બની છે. 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી મનીષા ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં પડી ગઈ છે. આ ડ્રેનેજ લાઈન લગભગ 20 ફૂટ ઊંડી છે અને તે સીધી શાસ્ત્રી બ્રિજ પાસે નદીમાં ભળે છે. ઘટના છેલ્લા ત્રણ કલાકથી ચાલુ છે અને ફાયર વિભાગની ત્રણ ટીમો બાળકીને બહાર કાઢવા માટે કામ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેની ભાળ મળી નથી.
પ્રાથમિક માહિતી મુજબ, બાળકી પોતાના પરિવાર સાથે રિક્ષામાંથી ઘરે પરત ફરી રહી હતી. શાસ્ત્રી બ્રિજ પાસે રિક્ષામાંથી ઊતર્યા બાદ પિતાએ અન્ય બે બાળકોના હાથ પકડ્યા હતા, જ્યારે માતાએ મનીષાનો હાથ પકડ્યો હતો. રિક્ષાચાલકને ભાડું ચૂકવવા માટે માતાએ પર્સમાંથી પૈસા કાઢવા દરમિયાન ક્ષણવાર મનીષાનો હાથ છોડ્યો. પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે મનીષાને આંખે ઓછું દેખાતું હતું. હાથ છૂટતાં જ તેણે અજાણતાં પાછળ એક-બે ડગલાં ભર્યા અને તે સીધી ખુલ્લી ગટરમાં પડી ગઈ.
બાળકી ગટરમાં પડતાં જ તેની માતાએ બૂમાબૂમ કરી મૂકી. આસપાસના લોકો તરત દોડી આવ્યા અને ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. ફાયર વિભાગની ત્રણ ટીમોએ લગભગ એક કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી ગટર લાઈનમાં શોધખોળ શરૂ કરી છે.
બચાવ કાર્યમાં અનેક અડચણો આવી રહી છે. એક તરફ નારોલ-સરખેજ કોરિડોરની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનો મોટો અભાવ છે. અંધારાને કારણે ગટરમાં શોધખોળ કરવી ફાયર વિભાગ માટે મુશ્કેલ બની રહી છે.
મનીષાનો પરિવાર અત્યંત સામાન્ય આર્થિક સ્થિતિમાંથી આવે છે. તેના પિતા ભાલાભાઈ સલાટ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારજનો આંસુ સાથે તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે તેમની દીકરી સહીસલામત પરત મળે.
આ ઘટનાએ શહેરમાં જાહેર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. રહેણાંક વિસ્તારમાં આવી ઊંડી ડ્રેનેજ લાઈનનું ઢાંકણું ખુલ્લું કેમ રહ્યું, તે અંગે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. ઘટનાની તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ પણ થઈ રહી છે. હાલ સૌ મનીષા સહીસલામત મળી આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.