સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: ગટરમાં પડેલી 10 વર્ષની દૃષ્ટિહીન બાળકી 70 કલાકથી લાપતા, ગેસ અને કેમિકલયુક્ત પાણી રેસ્ક્યૂમાં અવરોધ

અમદાવાદ: ગટરમાં પડેલી 10 વર્ષની દૃષ્ટિહીન બાળકી 70 કલાકથી લાપતા, ગેસ અને કેમિકલયુક્ત પાણી રેસ્ક્યૂમાં અવરોધ

અમદાવાદના પીરાણા ડમ્પિંગ યાર્ડ પાસે વિશાલાથી નારોલ તરફ જતા રોડ પર ખુલ્લી ડ્રેનેજ લાઇનમાં શનિવારે 10 વર્ષીય દૃષ્ટિહીન બાળકી પ્રજ્ઞા પડી ગઈ હતી. ચાર દિવસ એટલે કે 70 કલાકથી વધુ સમય વીતી ગયો છે, છતાં બાળકીનો કોઈ પત્તો મળ્યો નથી. અમદાવાદ ફાયર વિભાગની ટીમ સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે, પરંતુ ગટરની અંદરની પરિસ્થિતિને કારણે વધુ ઊંડે સુધી તપાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આશરે 35થી 40 ફૂટ ઊંડી ડ્રેનેજ લાઇનમાં ગેસનું પ્રમાણ વધારે છે અને કેમિકલયુક્ત પાણીનો સતત પ્રવાહ છે. ગટરમાં ગેસના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જ્યારે પાણી સતત વહેતું હોવાથી જવાનો માટે વધુ ઊંડે સુધી ઉતરીને તપાસ કરવી મુશ્કેલ બની છે. ઉપરાંત, ડ્રેનેજ લાઇનમાં કાદવનું પ્રમાણ પણ ઘણું વધારે છે, જેના કારણે ગટરની અંદર વધુ સાધનોનો ઉપયોગ કરવામાં મર્યાદા આવી રહી છે.

બાળકીની સ્થિતિનો અંદાજ મેળવવા ફાયર વિભાગે બોરવેલમાં ઉપયોગમાં લેવાતા કેમેરા ડ્રેનેજ લાઇનમાં ઉતાર્યા હતા. સામાન્ય રીતે બોરવેલમાં બાળક પડે ત્યારે ફાયર વિભાગ કે એનડીઆરએફ આવા કેમેરાની મદદથી અંદરની સ્થિતિ તપાસે છે. જોકે, આ કેમેરાથી પણ બાળકી અંગે કોઈ માહિતી મળી નથી. હાલમાં ગટરમાંથી કાદવ કાઢવાની કામગીરી ચાલી રહી છે અને કાદવ દૂર કરીને વધુ તપાસ કરવાનો માર્ગ તૈયાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, ડ્રેનેજ લાઇનના તમામ મેનહોલમાં સીસીટીવી નાખીને તપાસ કરવામાં આવી છે, તેમ છતાં બાળકી મળી આવી નથી. પીરાણા એસટીપી પ્લાન્ટ અને સાબરમતી નદીમાં પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીના જણાવ્યા મુજબ, મેઇન ટ્રંક લાઇનમાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે હોવાથી બાળકી ત્યાં હોવાની શક્યતા ઓછી છે. પીરાણા એસટીપી પ્લાન્ટ કે સાબરમતી નદી તરફ તે પહોંચી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ત્યાં પણ તપાસ ચાલુ છે. ફાયર વિભાગની ટીમે નદીમાં બોટની મદદથી તેમજ બંને કિનારે ચાલીને શોધખોળ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પુરાવો મળ્યો નથી.

ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણીનો સતત પ્રવાહ પણ રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. એન્જિનિયરિંગ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, નરોડા તરફથી આવતી લાઇનનું જોડાણ આ નેટવર્ક સાથે હોવાથી તેમાં કેમિકલયુક્ત પાણી આવતું હોવાની શક્યતા છે. કોઈએ ડ્રેનેજ લાઇન સાથે કેમિકલયુક્ત પાણીની લાઇન જોડેલી હોઈ શકે અથવા ટેન્કર મારફતે કેમિકલયુક્ત પાણી નાખવામાં આવતું હોઈ શકે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ઝોનમાંથી આવતું પાણી પણ આ લાઇનમાં ભેગું થાય છે. જોકે, કેમિકલયુક્ત પાણી કયા સ્ત્રોતમાંથી આવી રહ્યું છે તે અંગે હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

ચાર દિવસથી ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં ફાયર વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગની ટીમો અલગ-અલગ સ્થળે તપાસ કરી રહી છે. બાળકીની ભાળ ન મળતાં પરિવારજનોમાં ચિંતા વધી ગઈ છે.