અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં 27 વર્ષીય પરિણીતા સાથે ભુવાએ વિધિ કરવાના બહાને શારીરિક અડપલાં કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપી ભુવો ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ માહિતી અનુસાર, કુબેરનગરમાં રહેતી પરિણીતાના પરિવારમાં લાંબા સમયથી આર્થિક તંગી હતી અને તેની સાસુ સતત બીમાર રહેતાં હતાં. આ બાબતે પરિવારે કુબેરનગરના મહાજનવાસમાં રહેતા અને મેલડી માતાના ભુવા તરીકે ઓળખાતા દીપક પરમારનો સંપર્ક કર્યો હતો. ગત 3 ઓક્ટોબરે સાંજે દીપક પરમાર મહિલાના ઘરે આવ્યો હતો. તેણે ઘરના મંદિર સામે સફેદ કપડું બાંધ્યું, માળા જોઈ અને દાણા ફેંકીને જણાવ્યું હતું કે મહિલા પર બહારનું વળગણ છે, તેથી ઉપરના રૂમમાં એકલામાં વિધિ કરવી પડશે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ભુવો પરિણીતાને ઉપરના માળે લઈ ગયો હતો. ત્યાં પલંગ પર બેસાડી માથે લીંબુ ફેરવ્યા બાદ પાણીના છાંટા નાખ્યા હતા અને શરીરના ગુપ્ત ભાગો પર અડપલાં કરી ચુંબન કર્યું હતું. ત્યારબાદ તેણે નદીએ જઈ સ્નાન કરાવવાની વિધિ માટે 25 હજાર રૂપિયા માંગ્યા હતા, જે અંતે 17 હજાર રૂપિયામાં નક્કી થયા હતા. ભુવાએ પતિ-પત્ની બંનેને નદી કિનારે લઈ જઈ સ્નાન કરાવી વિધિ કરી હતી. બાદમાં રાત્રે ફરી બંનેને ઘરના ઉપરના રૂમમાં બેસાડ્યા હતા. ત્યાં તેણે પતિને લીંબુ આપી ચાર રસ્તા પર મૂકી આવવા કહીને બહાર મોકલી દીધો હતો.
પતિ બહાર જતાં જ ભુવાએ મહિલાને પલંગ પર સુવડાવી સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને જણાવ્યું હતું કે આવું ન કરે તો ઘરની સ્થિતિ સુધરશે નહીં. બાદમાં તેણે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કંઈ કહીશ તો મેલી વિદ્યા કરી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.
ઘટના બાદ પરિવારે બદનામીના ડરે સમાજના પંચમાં રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતાં આખરે મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની ધરપકડ માટે ટીમો બનાવી છે.