દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી હોઈ, અમદાવાદનું ભદ્ર બજાર ખરીદદારોથી ઉભરાયું છે. ઇમિટેશન જ્વેલરી, બંગડીઓ, કોસ્મેટિક્સ અને કપડાં જેવી વસ્તુઓ ખરીદવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ઓનલાઈન ઓફરો છતાં, લોકો જોઈને અને ભાવતાલ કરીને ખરીદી કરવાનું પસંદ કરે છે. આનાથી સ્થાનિક વેપારીઓને સામાન્ય દિવસો કરતાં 3 ગણી વધુ આવક થઈ રહી છે, જે 8થી 10 હજાર રૂપિયા સુધી પહોંચી છે.
અમદાવાદના મધ્યમાં આવેલું ભદ્ર બજાર લોકો માટે જૂનું અને જાણીતું છે. અહીં સામાન્ય ઘરથી શ્રીમંત ઘર સુધીના દરેક સભ્યો તહેવાર અથવા પ્રસંગોમાં ખરીદી કરતા હોય છે. ત્યારે આ વખતે દિવાળીના તહેવાર પહેલા લોકો અહીં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. લોકો અહીંથી ઇમિટેશન જ્વેલરી, અવનવી બંગડી, કોસ્મેટીક વસ્તુ અને કપડાં સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.
મહત્ત્વનું છે કે, આજના ડિજિટલ યુગમાં એક તરફ ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા તહેવાર ટાણે મોટા-મોટા ડિસ્કાઉન્ટ સહિતની ઓફર આપવામાં આવે છે. તેમ છતાં હજુ પણ લોકો અહીં બજારમાંથી વસ્તુ જોઈને ખરીદી કરવાનો અને ભાવતાલ કરાવીને ખરીદી કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. જેને લીધે લોકલ વેપારીઓને સામાન્ય દિવસો કરતાં તહેવાર ટાણે દિવસમાં ઓછામાં ઓછી 8થી 10 હજાર રૂપિયાની કમાણી થાય છે.
ગુજરાત સમાચાર ડિજિટલની ટીમે પ્રખ્યાત લાલદરવાજાના ભદ્ર બજારમાં ખરીદી કરવા આવેલા લોકો સાથે વાત કરી હતી. જેમાં ખરીદી કરવા આવતા લોકોએ જણાવ્યું હતું કે, 'તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીં ખરીદી કરવા આવે છે. ઓનલાઇન ખરીદીમાં છેતરાવવાનો અને પછીથી રિફંડ બાબતે મુશ્કેલી થતી હોય છે, જેને લીધે અહીં રૂબરૂ આવીને વસ્તુ જોયા બાદ યોગ્ય ભાવતાલ કરાવીને ઓનલાઇન કરતા ઓછા ભાવે ખરીદી કરી શકાય છે.' એટલું જ નહીં સુપર મોલ અને પોશ વિસ્તારમાં આવેલા માર્કેટ કરતાં અહીં ઓછા ભાવે અને સારી વસ્તુની ખરીદી કરતા હોય તેવું પણ તેમણે જણાવ્યું છે.
વેપારીઓએ જણાવ્યું કે, 'નવરાત્રિ પૂરી થયા બાદ લોકો દિવાળીની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. સામાન્ય દિવસમાં બે-અઢી હજાર રૂપિયા જેવો વકરો થતો હોય છે. જો કે, દિવાળીના તહેવાર સમયે દરેક વેપારીને ઓછામાં ઓછો 8થી 10 હજાર રૂપિયાનો વકરો એક દિવસમાં થાય છે. આનંદની વાત છે કે, લોકો ઓનલાઈન ખરીદી કરવાનું ટાળીને અહીં લોકલ માર્કેટમાંથી ખરીદી કરે છે, જેને લીધે સામાન્ય વેપારીઓને અને અન્ય લોકોને રોજગારી સારી મળી રહે છે.'