સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ભિક્ષુકમુક્ત ઝુંબેશ: સાડા પાંચ મહિનામાં 252 બાળકો સહિત 688 લોકો પકડાયા

અમદાવાદમાં ભિક્ષુકમુક્ત ઝુંબેશ: સાડા પાંચ મહિનામાં 252 બાળકો સહિત 688 લોકો પકડાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને ભિક્ષુકમુક્ત બનાવવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં છેલ્લા સાડા પાંચ મહિનામાં 252 બાળકો, 178 મહિલાઓ અને 257 પુરુષો સહિત કુલ 688 લોકોને ભીખ માંગતા પકડવામાં આવ્યા છે. આ ઝુંબેશ એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી.

શહેરના 124થી વધુ ચાર રસ્તા અને ટ્રાફિક જંક્શન ભિક્ષુક પોઈન્ટ તરીકે ઓળખાયા છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 37 પોઈન્ટ, પશ્ચિમ ઝોનમાં 33 પોઈન્ટ, મધ્ય ઝોનમાં 15 પોઈન્ટ અને ઉત્તર તથા દક્ષિણ ઝોનમાં 14-14 પોઈન્ટ મળી આવ્યા છે. બોડકદેવ વોર્ડમાં સૌથી વધુ 13 ભિક્ષુક પોઈન્ટ જોવા મળ્યા હતા.

આ ઝુંબેશ સમાજ કલ્યાણ વિભાગ, પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવી રહી છે. કેટલાક કિસ્સામાં માતા-પિતા દ્વારા બાળકોને ભીખ માંગવા મોકલવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે કેટલાક બેઘર બાળકો મજબૂરીવશ ભીખ માંગતા હોવાથી તેમને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા છે.

કોમનવેલ્થ ગેમ્સમાં અમદાવાદને ભિક્ષુકમુક્ત શહેર તરીકે રજૂ કરવાના ઉદ્દેશથી આ ઝુંબેશને વેગ આપવામાં આવ્યો છે. શહેરના ઓવરબ્રિજ નીચેની જગ્યાઓ ભિક્ષુકોના કાયમી ઠેકાણા બની ગઈ છે, જેના કારણે તંત્ર દ્વારા આ વિસ્તારો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.