અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના બાવળા ચોકડી પાસે ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડો પાડીને ₹4.35 કરોડની કિંમતનું 4.354 કિલો એમ્બરગ્રીસ (વ્હેલની ઉલટી) ઝડપી પાડ્યું છે. આ ઘટનામાં બે શખસોની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, SMCની ટીમને બાતમી મળી હતી કે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બાવળા ચોકડી નજીક આવેલા આકૃતિ આર્કેડ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં એમ્બરગ્રીસની ગેરકાયદે લેવડદેવડ થઈ રહી છે. તેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં અજય અશોકભાઈ ચાવડા (રહે. તારાપુર, જી. આણંદ) અને હિતેશ દશરથભાઈ ચૌહાણ (રહે. ભેટાવાડા, ધોળકા, અમદાવાદ)ની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી જુદા-જુદા આકાર અને સાઇઝના એમ્બરગ્રીસના ટુકડા મળી આવ્યા હતા.
ઘટના બાદ વન વિભાગ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને બોલાવીને પદાર્થની તપાસ કરાવવામાં આવી હતી. પોલીસે જપ્ત કરેલા 4.354 કિલોગ્રામ એમ્બરગ્રીસની કિંમત ₹4.35 કરોડ અંકાઈ છે, જ્યારે અન્ય સામગ્રી સાથે કુલ ₹4.38 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
SMCએ બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાવળા પોલીસને સોંપી દીધા છે.
પ્રાથમિક પૂછપરછમાં અજય ચાવડાએ જણાવ્યું કે તારાપુરના મેહુલ મનીષભાઈ ડાભીએ તેને એમ્બરગ્રીસના વેચાણનું સેટિંગ કરવા માટે બાવળા બોલાવ્યો હતો. તેથી તે તેના સાથી કિશનભાઈ ટીકમભાઈ ગોહેલ અને અન્ય એક વ્યક્તિ સાથે બાવળાની ગોવાળિયા હોટેલ પહોંચ્યો હતો. આ દરમિયાન હિતેશ ચૌહાણ ખંભાત વિસ્તારમાંથી એમ્બરગ્રીસ લઈને આવ્યો હતો અને આકૃતિ આર્કેડના પાર્કિંગમાં ગ્રાહકને બતાવીને વેચવાની પેરવી ચાલતી હતી ત્યારે જ SMCની ટીમે તેમને ઝડપી લીધા હતા.
બાવળા પોલીસે આ ગેરકાયદે સપ્લાય ચેઇન પાછળ કોણ છે, આ એમ્બરગ્રીસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ખરીદદાર કોણ હતો તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.