સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે 21 અને 22 નવેમ્બરે સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવેનો નિર્ણય

અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે 21 અને 22 નવેમ્બરે સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવેનો નિર્ણય

દિવાળી વેકેશન પૂરું થતાં વતન કે ફરવા ગયેલા લોકો હવે પાછા ફરી રહ્યા છે, જેના કારણે નિયમિત ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ સ્થિતિ સંભાળવા પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

આ ટ્રેન 21 નવેમ્બર, શનિવાર અને 22 નવેમ્બર, રવિવારના રોજ બંને દિશામાં એક-એક ફેરો કરશે. ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

બાંદ્રા ટર્મિનસથી અમદાવાદ જતી ટ્રેન (નંબર 09023) 21 નવેમ્બરે સવારે 4:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. તે સવારે 5:00 વાગ્યે બોરીવલી અને 8:55 વાગ્યે સુરત પહોંચશે, અને બપોરે 1:50 વાગ્યે અમદાવાદ પહોંચશે.

અમદાવાદથી બાંદ્રા ટર્મિનસ જતી ટ્રેન (નંબર 09024) 22 નવેમ્બરે રાત્રે 2:30 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બપોરે 12:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

મુસાફરોની સુવિધા માટે ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને આણંદ સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર, ચેર કાર અને જનરલ કોચ લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 09023 અને 09024ની ટિકિટનું આરક્ષણ તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો (PRS) પર શરૂ થઈ ગયું છે.