અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં આજથી 10 સપ્ટેમ્બર સુધી લગભગ બે લાખ રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ શરૂ થઈ છે. ઓનલાઈન બુકિંગ એપ્સ દ્વારા પૂરતું વળતર ન મળવાના આક્ષેપ સાથે ચાલકોએ આ હડતાળ પોકારી છે.
રિક્ષા અને ટેક્સી યુનિયનના જણાવ્યા અનુસાર, સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ ઓલા, ઉબર, રેપિડો જેવી એપ્સ ચાલકોને કિલોમીટર દીઠ માત્ર 8થી 10 રૂપિયા જ ચૂકવે છે. મોંઘવારીના આ સમયમાં આટલી ઓછી કમાણીમાં ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે.
યુનિયને ચેતવણી આપી છે કે જો ચાર દિવસની હડતાળ બાદ પણ માગણીઓ સંતોષાઈ નહીં, તો આંદોલનને રાજ્યવ્યાપી બનાવવામાં આવશે અને આરટીઓ તેમજ ગાંધીનગરની સરકારી કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે.
આ હડતાળથી સામાન્ય મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે, જોકે યુનિયને સ્કૂલ રિક્ષા અને વાનની સેવાઓ યથાવત્ રાખવાનો દાવો કર્યો છે.