અમદાવાદમાં ઓટો રિક્ષા ચાલકોની હડતાળને પગલે મુસાફરોને હાલાકી ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં AMTSની વધારાની બસો, કન્ટ્રોલર અને ફ્લાઈંગ ટીમો તૈનાત કરવામાં આવી છે.
રાણીપ GSRTC બસ સ્ટેશન પર બે કન્ટ્રોલરને ફરજ પર મૂકવામાં આવ્યા છે અને મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો મુસાફરોને ઇન્કમટેક્સ, નટરાજ, પાલડી, ગીતામંદિર અને કાલુપુર જેવા મુખ્ય ટ્રાન્ઝિટ કેન્દ્રો સુધી પહોંચાડશે. આ ઉપરાંત, રાણીપ સ્ટેશન પાસેથી પસાર થતા વિવિધ રૂટની આશરે 90 બસો કાલુપુર, મણિનગર, લાલદરવાજા, વાસણા અને પાલડી સહિતના વિસ્તારોમાં સેવા આપશે.
સાબરમતી ધર્મનગર રેલવે સ્ટેશન પર એક સ્પેર ડ્રાઇવર અને ફ્લાઈંગ ટીમને તૈનાત કરવામાં આવી છે. ત્યાંથી કાલુપુર અને મણિનગર માટે બે વધારાની બસો ઉપલબ્ધ કરાવાઈ છે, તેમજ આ વિસ્તારની અન્ય 28 બસો પણ સેવા આપશે.
વટવા રેલવે સ્ટેશન પર એક કન્ટ્રોલરની નિમણૂક કરીને બે વધારાની બસો મૂકવામાં આવી છે, જે ગીતામંદિર મારફતે કાલુપુર અને મણિનગર સુધી મુસાફરોને લઈ જશે. આ ઉપરાંત, આ વિસ્તારથી ઉપડતા રૂટની 8 બસો ગીતામંદિર થઈને લાલદરવાજા સુધી પહોંચાડવાનું કામ કરશે.
શહેરના મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ હબ ગીતામંદિર ખાતે ફ્લાઈંગ ટીમને તૈનાત કરવામાં આવી છે. ત્યાંથી વિવિધ રૂટની બસો દર 15 થી 20 મિનિટે શહેરના વિવિધ વિસ્તારોમાં દોડશે. કાલુપુર રેલવે સ્ટેશન પર સારંગપુર કેબિન કન્ટ્રોલર બે ફ્લાઈંગ ટીમો સાથે હાજર રહેશે અને મુસાફરોની સુવિધા માટે ચાર વધારાની બસોની વ્યવસ્થા કરાઈ છે. કાલુપુર વિસ્તારમાંથી પસાર થતા વિવિધ રૂટની 50 થી વધુ બસો ગીતામંદિર, લાલદરવાજા, વાડજ અને નરોડા સુધી મુસાફરોને પહોંચાડશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થાને કારણે ઓટો રિક્ષા ચાલકોની હડતાળના સમયમાં પણ જાહેર પરિવહનની સુવિધા અવિરત મળી રહેશે. શહેરના વિવિધ વિસ્તારો વચ્ચેની અવરજવર પર ન્યૂનતમ અસર થાય તે માટે પૂરતા માનવબળ અને બસોની તૈનાતી સુનિશ્ચિત કરવામાં આવી છે.