સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં રિક્ષા ગેંગ સક્રિય: SRP જવાનની 1 લાખની સોનાની ચેઇન ચોરાઈ, રામોલમાં મુસાફર લૂંટાયો

અમદાવાદમાં રિક્ષા ગેંગ સક્રિય: SRP જવાનની 1 લાખની સોનાની ચેઇન ચોરાઈ, રામોલમાં મુસાફર લૂંટાયો

અમદાવાદમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરી અને લૂંટ કરતી ગેંગ સક્રિય થઈ છે. શાહીબાગ વિસ્તારમાં ગાંધીનગરથી પરીક્ષા આપી પરત ફરી રહેલા એસઆરપી જવાનની 1 લાખ રૂપિયા કિંમતની સોનાની ચેઇન ચોરાઈ ગઈ હતી. જ્યારે રામોલ રિંગ રોડ પર વાહનની રાહ જોતા ઊભેલા એક મુસાફરને રિક્ષામાં બેસાડી 10,800 રૂપિયા રોકડા અને દસ્તાવેજો ભરેલું પર્સ લૂંટી લેવાયું હતું. શાહીબાગ પોલીસે ચોરી અને રામોલ પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શાહીબાગમાં એસઆરપી કોન્સ્ટેબલના ગળામાંથી ચેઇન ચોરાઈ: મૂળ ભુજના માધાપરના વતની અને હાલ રાજ્ય અનામત દળ (એસઆરપી) જૂથ-10 વાલિયા (ભરૂચ) ખાતે આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય કાનજી આહીર ભરૂચ જિલ્લા જેલ ખાતે તહેનાત છે. 19મી સપ્ટેમ્બરના રોજ તેઓ હિન્દી વિષયની પરીક્ષા આપવા ગાંધીનગર આવ્યા હતા. પરીક્ષા પૂર્ણ કરી બપોરના સમયે શાહીબાગ ઘોડા કેમ્પ ખાતે આવેલ એસઆરપી કંપનીમાં જમ્યા બાદ સાંજે ભરૂચ જવા માટે ઘોડા કેમ્પ રોડ પર કાલુપુર જવા વાહનની રાહ જોઈ ઊભા હતા. આ દરમિયાન આવેલી એક રિક્ષામાં તેઓ સવાર થયા હતા. રિક્ષામાં આગળ ચાલક અને પાછળની સીટ પર અન્ય ત્રણ મુસાફરો પહેલેથી બેઠા હતા.

રિક્ષા સિવિલ હોસ્પિટલ રોડ તરફ આગળ વધતાં જમણી બાજુ બેઠેલા પેસેન્જરો અવારનવાર આગળ-પાછળ થઈ અડચણ ઊભી કરવા લાગ્યા હતા. એક પેસેન્જરે પોતાને બેસવામાં ફાવતું નથી તેમ કહી કાનજીના પેન્ટના ખિસ્સા અને ખભા પર હાથ મૂકી ધ્યાન ભટકાવ્યું હતું. રિક્ષા સિવિલ સામે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક પહોંચતા જ ચાલકે તેમને નીચે ઉતારી દીધા હતા. રિક્ષા રવાના થયા બાદ તપાસ કરતાં ગળામાં પહેરેલી આશરે એક તોલાની સોનાની ચેઇન (કિંમત 1 લાખ રૂપિયા) ગાયબ જણાઈ હતી. નોકરી પર હાજર થવાનું હોવાથી તેઓ સીધા ભરૂચ ગયા હતા અને બાદમાં રજા મેળવી શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આ મામલે તપાસ હાથ ધરી છે.

રામોલ રિંગ રોડ પર આધેડને રિક્ષામાં બેસાડીને લૂંટ: વસ્ત્રાલના રામોલ વિસ્તારમાં આવેલી રાધેક્રિષ્ના હેરીટેઝ-01માં રહેતા અને મૂળ રાજસ્થાનના ડુંગરપુરના વતની 52 વર્ષીય પહાડસિંગ રાઠોડ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. નવમી સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે તેઓ ઘરે જવા માટે રામોલ રિંગ રોડ ટોલટેક્સ પાસે ઊભા હતા. આ દરમિયાન એક રિક્ષા આવતાં તેણે પાંજરાપોળ ચાર રસ્તા જવાનું કહેતાં ચાલકે 10 રૂપિયા ભાડું નક્કી કરી તેમને આગળની સીટ પર બેસાડ્યા હતા. રિક્ષાની પાછળ એક મુસાફર બેઠો હતો. રિક્ષા થોડે આગળ વધતાં જ બંને શખ્સોએ 'તમારી પાસે જે કાંઈ હોય તે આપી દો' કહી ધમકી આપી હતી.

પહાડસિંગે કશું ન હોવાનું જણાવતાં પાછળ બેઠેલા શખસે તેમના બંને હાથ પકડી લીધા હતા અને ચાલકે ખિસ્સામાંથી 10,800 રૂપિયા રોકડા અને અસલ દસ્તાવેજો ભરેલું પર્સ કાઢી લીધું હતું. પુરોહિત હોટેલ પહેલાં તેમને નીચે ઉતારી બંને નાસી છૂટ્યા હતા. વતનમાં મરણ પ્રસંગ હોવાથી પહાડસિંગ તે વખતે ફરિયાદ નોંધાવી શક્યા નહોતા. બાદમાં રામોલ પોલીસે પેસેન્જરને બેસાડી લૂંટ ચલાવતી ગેંગના બે આરોપીઓને પકડ્યા હોવાની જાણ થતાં તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે આરોપીઓ સોહેબ ઉર્ફે પોપટ મુસ્તાકઅલી સૈયદ તથા જમીલ અહેમદ સિદ્દીકીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.