અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ની 312મી બોર્ડ બેઠક 6 ઓક્ટોબર, 2026ના રોજ યોજાઈ. બેઠકમાં અમદાવાદ અને આસપાસના ઔડા વિસ્તારમાં આયોજનબદ્ધ અને સર્વાંગી વિકાસને વેગ મળે તે માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.
આમાં સૌથી મહત્વનો નિર્ણય સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના આયોજન માટે જમીનના ઝોનમાં ફેરફાર કરવાનો હતો.
વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે અમદાવાદને તૈયાર કરવાની દિશામાં શહેર અને ઔડા વિસ્તારમાં રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે. ઉપરાંત, ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સ માટે દાવેદારી નોંધાવવાની તૈયારી પણ થઈ રહી છે.
મોટેરાની જમીન રહેણાંક ઝોનમાં ફેરવાઈ
ઔડાની બોર્ડ બેઠકમાં મોટેરા વિસ્તારના સર્વે નંબર/બ્લોક નંબર 282/અ/પૈકીની જનરલ એગ્રીકલ્ચર ઝોન-1 (A1)માં સમાવિષ્ટ જમીનને રહેણાંક ઝોન-1 (R1)માં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-19 હેઠળ આ ઝોન વેરિએશનને બોર્ડના સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી.
સ્પોર્ટ્સ એન્ક્લેવ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારની માલિકીની જમીનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝોન ફેરફારથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ ખાતે રમતગમતના સ્ટેડિયમ ઉપરાંત સંલગ્ન સુવિધાઓનું બાંધકામ થઈ શકશે.
બેઠકમાં જણાવાયું કે સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસથી માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સુવિધાઓ જ નહીં, પણ નાગરિકો માટે પણ વિવિધ સુવિધાઓનું નિર્માણ થશે.
ઔડા દ્વારા અમદાવાદ શહેર સાથે જોડાયેલા સેટેલાઇટ વિસ્તારોનો પણ સંકલિત વિકાસ થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી વર્ષોમાં અમદાવાદમાં મોટા રમતગમતના આયોજનોને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.