અમદાવાદના અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી મહાનગરપાલિકાની પાણીની ટાંકીમાંથી હાડકાં જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ટાંકીમાંથી દુર્ગંધવાળું અને ડહોળું પાણી આવવાની ફરિયાદો છતાં સમયસર તપાસ ન થઈ હોવાના આક્ષેપ વચ્ચે સફાઈ કામગીરી દરમિયાન આ વસ્તુઓ મળી આવી હતી.
ઘટનાની જાણ થતાં શાહીબાગ પોલીસ અને એફએસએલ (FSL)ની ટીમ સ્થળ પર પહોંચી હતી. બુધવારે (23 સપ્ટેમ્બર) રાત્રે 8 વાગ્યાની આસપાસ એફએસએલની ટીમે સ્થળ પર પહોંચીને શંકાસ્પદ વસ્તુઓ કબજે કરી હતી. હાલમાં મળી આવેલી વસ્તુઓ ખરેખર હાડકાં છે કે અન્ય કોઈ સામગ્રી છે અને તે ટાંકીમાં કેવી રીતે પહોંચી, તે અંગે પોલીસ અને એફએસએલ તપાસ કરી રહ્યાં છે. તપાસના પરિણામ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
મહત્ત્વનું છે કે પાણીની ટાંકી દર છ મહિને સાફ કરવાની હોય છે. જો કે, આ ટાંકીની છેલ્લે પોણા બે વર્ષ પહેલાં એટલે કે જાન્યુઆરી 2025માં સફાઈ થઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવા અને દર છ મહિને સફાઈ થાય છે કે નહીં તે તપાસવા અધિકારીઓને સૂચના આપી છે.
મધ્ય ઝોનના ઇજનેર વિભાગ દ્વારા અસારવા ગામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની અન્ડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ કોન્ટ્રાક્ટર મારફતે કરાવવામાં આવી રહી હતી. સફાઈ દરમિયાન કામદારોને ટાંકીના તળિયેથી હાડકાં જેવી વસ્તુઓ મળી આવી હતી. કામદારોએ તાત્કાલિક ઇજનેર વિભાગને જાણ કરી, ત્યારબાદ સમગ્ર ટાંકી ખાલી કરાવવામાં આવી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અસારવા પમ્પિંગ સ્ટેશનમાંથી આવતું પાણી છેલ્લા કેટલાક દિવસથી ડહોળું અને દુર્ગંધવાળું આવી રહ્યું હતું. આ અંગે સ્થાનિકો દ્વારા ફરિયાદો કરવામાં આવી હોવા છતાં સમયસર પાણીની ટાંકીની તપાસ કરવામાં આવી ન હતી. તેમણે એમ પણ જણાવ્યું કે પમ્પિંગ સ્ટેશન પાસે કોઈ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા નથી. આટલા દિવસથી લોકો પરેશાન હોવા છતાં ટાંકીની તપાસ ન કરવામાં આવી, જે ગંભીર બેદરકારી ગણાવવામાં આવી રહી છે.
શંકાસ્પદ વસ્તુઓ મળી આવ્યા બાદ મહાનગરપાલિકાના વોટર ઓપરેશન્સ વિભાગે મડ પંપ વડે ટાંકીમાંથી પાણી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટ કેમિકલનો ઉપયોગ કરીને સમગ્ર ટાંકી અને તેની દીવાલોની સફાઈ કરવામાં આવી હતી. ટાંકી ધોઈને ફરી પાણી ભરવામાં આવ્યું છે. હવે ક્લોરિનેશનની ચકાસણી બાદ પાણી પુરવઠો પૂર્વવત્ કરવામાં આવશે. ટાંકીની સફાઈ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 25 સપ્ટેમ્બરથી અસારવા વિસ્તારમાં પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ટાંકીની સફાઈનો કોન્ટ્રાક્ટ કૃણાલ બિલ્ડરને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
લોકોએ પાણીની ગુણવત્તા અંગે અગાઉથી ફરિયાદો કરી હોવા છતાં સમયસર તપાસ ન થઈ હોવાને ગંભીર બેદરકારી ગણાવી છે. પીવાના પાણીની ટાંકીમાં હાડકાં જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવવાની ઘટનાએ પાણીની ટાંકીની સુરક્ષા, નિયમિત તપાસ અને મોનિટરિંગ વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે. હવે એફએસએલ અને પોલીસની તપાસમાં શંકાસ્પદ વસ્તુઓની હકીકત બહાર આવે અને તે ટાંકી સુધી કેવી રીતે પહોંચી તે સ્પષ્ટ થાય તે મહત્ત્વનું બન્યું છે.