સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી બાદ અમદાવાદની હવા ઝેરી: સોલામાં AQI 735, શહેરનો સરેરાશ 189

દિવાળી બાદ અમદાવાદની હવા ઝેરી: સોલામાં AQI 735, શહેરનો સરેરાશ 189

દિવાળીની રાત્રે થયેલી ભારે આતિશબાજી બાદ અમદાવાદની હવાની ગુણવત્તા ભયજનક સ્તરે પહોંચી ગઈ છે. શહેરના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 600ને પાર થઈ ગયો હતો, જ્યારે સોલા વિસ્તારમાં સૌથી વધુ 735 AQI નોંધાયો છે. ધુમાડાને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

દિવાળી પછીના દિવસે શહેરનો સરેરાશ AQI 189 નોંધાયો છે, પરંતુ અનેક વિસ્તારોમાં તે 200થી ઉપર રહ્યો છે. સોલા સ્ટેશન વિસ્તારમાં 251, થલતેજમાં 248, હેબતપુરમાં 236, શિવાલિક લેકવ્યૂ પાસે 225 અને શાંતિગ્રામ પાસે 202 AQI નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે શહેરના ઘણા ભાગોમાં હવાની ગુણવત્તા ખરાબ છે.

અમદાવાદની આસપાસનાં ગામો અને વિસ્તારોમાં પણ પ્રદૂષણ વધ્યું છે. સામાન્ય દિવસોમાં AQI 200ની આસપાસ રહેતો હતો, પરંતુ હવે કેટલાક વિસ્તારોમાં તે 250થી વધુ નોંધાયો છે. ફટાકડાના ધુમાડા ઉપરાંત ખુલ્લામાં કચરો સળગાવવાની પ્રવૃત્તિઓએ પણ પ્રદૂષણમાં વધારો કર્યો હોવાનું જાણવા મળે છે.

રાજ્યના અન્ય શહેરોમાં પણ હવાની ગુણવત્તા બગડી છે. આણંદના પેટલાદમાં સૌથી વધુ 583 AQI નોંધાયો છે. જસદણમાં 393, ખંભાત અને પોરબંદરમાં 352, રાજકોટમાં 325 અને જામનગરમાં 314 AQI નોંધાયો છે. સાણંદના ગીબપુરામાં 277, આણંદમાં 271, ધોળકામાં 227, દ્વારકામાં 212, ભરૂચમાં 212 અને ભુજમાં 211 AQI નોંધાયો છે. સુરતમાં 199 અને વડોદરામાં 177 AQI નોંધાયો છે.

શિયાળાની શરૂઆત સાથે હવામાં પ્રદૂષણનું પ્રમાણ સામાન્ય રીતે વધતું હોય છે. AQI 200થી ઉપર જાય ત્યારે હવા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વસન સંબંધી સમસ્યા ધરાવતા લોકો માટે. આ સ્થિતિમાં માસ્ક પહેરવું અને બહારની પ્રવૃત્તિઓ ટાળવી સલાહભર્યું છે.