સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં દિવાળી પછી હવા ઝેરી: AQI 600ને પાર, સોલા વિસ્તારમાં 735

અમદાવાદમાં દિવાળી પછી હવા ઝેરી: AQI 600ને પાર, સોલા વિસ્તારમાં 735

અમદાવાદ શહેરમાં દિવાળીની રાત્રે ફટાકડાં ફૂટ્યા બાદ હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 600ને પાર નોંધાયો હતો, જ્યારે સોલા વિસ્તારમાં સૌથી વધુ 735 AQI નોંધાયો હતો. સાઉથ બોપલ, પ્રહલાદનગર અને થલતેજ જેવા વિસ્તારોમાં પણ પ્રદૂષણનું પ્રમાણ ઊંચું રહ્યું હતું.

બીજા દિવસે પણ શહેરના ઘણા વિસ્તારોમાં AQI 200થી ઉપર રહ્યો હતો. સોલા સ્ટેશન વિસ્તારમાં 251, થલતેજમાં 248, હેબતપુરમાં 236, શિવાલિક લેકવ્યૂ પાસે 225 અને શાંતિગ્રામ પાસે 202 AQI નોંધાયો હતો. ધૂમાડાને કારણે રસ્તાઓ પર દૃશ્યતા (વિઝિબિલિટી) પણ ઘટી ગઈ હતી.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ 200થી વધુ AQI સ્વાસ્થ્ય માટે જોખમી મનાય છે. આ સ્થિતિમાં નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને સૌથી વધુ જોખમ છે. ડોક્ટરોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અને પ્રદૂષિત હવાના સીધા સંપર્કથી બચવાની સલાહ આપી છે.

દર વર્ષે શિયાળામાં વાયુ પ્રદૂષણ વધતું હોય છે, પરંતુ દિવાળી દરમિયાન ફટાકડાંને કારણે હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ જાય છે. આ વખતે પણ દિવાળીની ઉજવણી બાદ શહેરની હવા ઝેરી બની છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે.