અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ શહેરના નારણપુરા, રાણીપ, પાલડી અને નવા વાડજ વોર્ડમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવામાં આવ્યાં છે.
નારણપુરા વોર્ડના રન્નાપાર્ક ખાતે ટીપી સ્કીમ નં. 29 (નારણપુરા)ના બીજા ફેરફાર હેઠળ રિઝર્વ ફાઇનલ પ્લોટ નં. 592 પરની કાર્યવાહીમાં આશરે 350 ચોરસ મીટર વિસ્તારમાં આવેલી 6 કોમર્શિયલ દુકાનો પ્રકારની પાકી બાંધકામવાળી દબાણો દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ રિઝર્વ પ્લોટનો કબજો AMCએ મેળવ્યો હતો.
રાણીપ વોર્ડમાં પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. 66 (રાણીપ-ચેનપુર-ચાંદલોડિયા)ના ફાઇનલ પ્લોટ નં. 295/1માં 2,804 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા પ્લોટમાંથી 19 કાચાં-પાકાં મકાનો દૂર કરીને રિઝર્વ પ્લોટનો કબજો કોર્પોરેશને લીધો હતો.
પાલડી વોર્ડમાં ગણેશ આવાસ યોજના, ભૂદરપુરા પાસે આવેલા શ્રેયસ મેટ્રો સ્ટેશન સુધીના 12 મીટર ટીપી રોડ પર દબાણ હટાવવાની કામગીરી થઈ હતી. આ માર્ગ પરનાં આશરે 60થી 65 કાચાં-પાકાં ઝૂંપડાં અને મકાનો દૂર કરવામાં આવ્યાં હતાં. કોર્પોરેશનની કાર્યવાહીથી રસ્તાનો આશરે 60 મીટરનો ભાગ ખુલ્લો કરાયો હતો.
નવા વાડજ વોર્ડમાં શાંતારામ હોલથી નિર્ણયનગર તરફ જતા 18 મીટર ટીપી રોડ પર રેમ્પ પ્રકારનું આશરે 15 ચોરસ મીટરનું પાકું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી રસ્તાનો 10 મીટરનો ભાગ ખુલ્લો કરાયો હતો.
પૂર્વ ઝોનમાં 6 શેડ દૂર કરવામાં આવ્યા છે અને 31 લારી, 1 વાહન, 1 ગાડું, 15 વજન કાંટા, 30 કેરેટ, 10 ખાટલા, 45 બોર્ડ/બેનર તથા 125 પરચુરણ માલ-સામાન જપ્ત કરાયો છે. દબાણ પેટે 7,000 રૂપિયા, બિન-અધિકૃત જાહેરાત બદલ 2,500 રૂપિયા અને 41 વાહનોને લોક મારી 17,400 રૂપિયા વહીવટી ચાર્જ વસૂલાયો છે. આમ, કુલ 26,900 રૂપિયા વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.