સત્ય. સાહસ. સંકલ્પ.

ભાઈબીજ પર અમદાવાદની મહિલાઓ માટે AMTSની ભેટ: બસમાં નિઃશુલ્ક મુસાફરી

ભાઈબીજ પર અમદાવાદની મહિલાઓ માટે AMTSની ભેટ: બસમાં નિઃશુલ્ક મુસાફરી

દિવાળીના તહેવારો વચ્ચે અમદાવાદની મહિલાઓ માટે ખુશખબર છે. ભાઈબીજના દિવસે મહિલાઓ AMTSની બસોમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)એ આ નિર્ણય લીધો છે.

મહિલાઓ પોતાના ભાઈ સાથે ભાઈબીજનો તહેવાર ઉજવી શકે અને શહેરમાં અવરજવરમાં મુશ્કેલી ન પડે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં રક્ષાબંધનના દિવસે પણ AMTSએ મહિલાઓને નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપી હતી. તે દિવસે અમદાવાદમાં અંદાજે 82 હજાર મહિલાઓએ AMTSની બસોમાં મફત મુસાફરીનો લાભ લીધો હતો.

બીજી તરફ, મહેસાણા મહાનગરપાલિકાએ પણ નાગરિકો માટે દિવાળીની ભેટ જાહેર કરી છે. મેયર સોનલબેન ઓઝાએ જણાવ્યું છે કે 8 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી, એમ ચાર દિવસ સુધી શહેરની સિટી બસમાં નાગરિકો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. દિવાળી દરમિયાન નાગરિકો પરિવાર સાથે શહેરમાં સરળતાથી અવરજવર કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. મેયરે નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા આમંત્રણ પણ આપ્યું છે.