સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: AMTSની બે ઈલેક્ટ્રિક બસો પર એક જ નંબર પ્લેટ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી

અમદાવાદ: AMTSની બે ઈલેક્ટ્રિક બસો પર એક જ નંબર પ્લેટ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી

અમદાવાદમાં AMTSની બે ઈલેક્ટ્રિક બસો પર એકસરખી નંબર પ્લેટ લગાવવાનો મામલો સામે આવ્યો છે. મેઘાણીનગર વિસ્તારમાં એક જ રૂટ પર દોડતી બે બસો પર GJ 27 TJ 3550 નંબર જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ AMTSએ કોન્ટ્રાક્ટર પાસે ખુલાસો માગ્યો હતો અને હવે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, બંને બસો પર એક જ નંબર પ્લેટ હતી. આ ઉપરાંત, અન્ય એક બસ RTOમાં GJ 27 TJ 5196 નંબરથી રજિસ્ટર્ડ હોવા છતાં તેના પર RTO દ્વારા ફાળવવામાં આવેલ નંબર પ્લેટ લગાવવામાં આવી નહોતી. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ બસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વાયરલ વીડિયો બાદ AMTS સત્તાધીશોએ ઈલેક્ટ્રિક બસના કોન્ટ્રાક્ટર એરો ઈગલ મોબિલિટી પ્રાઈવેટ લિમિટેડ પાસે સમગ્ર મામલે ખુલાસો માગ્યો હતો. AMTS દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ કોન્ટ્રાક્ટરે સત્તાધીશો સમક્ષ ખુલાસો કર્યો હતો.

કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ, RTO તરફથી નંબર પ્લેટ મળવામાં વિલંબ થયો હતો. તેના કારણે ટેમ્પરરી નંબર પ્લેટ લગાવી હતી એટલે કે TC નંબર પ્લેટ લગાવવાની જગ્યાએ હંગામી ધોરણે એક જ નંબરની બીજી નંબર પ્લેટ બનાવીને બસ પર લગાવવામાં આવી હતી. જોકે, આ પ્રક્રિયા નિયમ અનુસાર હતી કે નહીં તે મુદ્દે હવે સવાલો ઊભા થયા છે.

આ મામલે AMTS વિભાગે કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બની હતી.