અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં AMTSની બે ઈ-બસો એક જ નંબર પ્લેટ સાથે એક જ રૂટ પર દોડતી જોવા મળી હતી. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે.
એક બસ પર HSRP (હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) નંબર GJ-27-TJ-3550 હતો, જ્યારે બીજી બસ પર આ જ નંબર ફક્ત સ્ટિકર સ્વરૂપે લગાવવામાં આવ્યો હતો. બંને બસો ડમરુ સર્કલ પાસે જોવા મળી હતી.
આ મામલે AMTS ચેરમેને જણાવ્યું હતું કે, "સોશિયલ મીડિયા દ્વારા આ ગેરરીતિ અમારા ધ્યાને આવી છે. RTOમાં રજિસ્ટ્રેશન થયાના 10-15 દિવસ પછી HSRP પ્લેટ મળે છે. તે દરમિયાન RTOના નિયમ મુજબ વાહન પર સ્ટિકર લગાવીને ચલાવી શકાય છે. પરંતુ અહીં તેને મળેલા નંબરની જગ્યાએ બીજા નંબરનું સ્ટિકર લગાવી દેવાયું છે, જે માનવીય ભૂલ છે. અમે તપાસ કરીશું અને પ્રાથમિક રીતે 5 લાખ રૂપિયાનો દંડ કર્યો છે."
અમદાવાદ પોલીસે જણાવ્યું છે કે, મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી મળી છે. તપાસમાં ડમરુ સર્કલ પાસે એક જ નંબરની બે AMTS બસો મળી આવી છે. બંને બસોના ડ્રાઈવર અને કન્ડક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ સુપરવાઈઝર અને બસના કોન્ટ્રાક્ટરની માહિતી મેળવી, RTO કચેરીમાંથી દસ્તાવેજો મેળવીને આગળની તપાસ ચાલુ છે.
RTO અધિકારીએ કહ્યું કે, બીજા વાહનના નંબરનું સ્ટિકર લગાવીને વાહન ચલાવવું એ ગુનો છે. જો AMTS અધિકારીઓ ઈચ્છે તો આ કિસ્સામાં FIR પણ નોંધી શકાય છે.
આ ઘટનાથી AMTSના રૂટ, GPS મોનિટરિંગ અને સમયપત્રકની વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે. ડેપોમાંથી બસ નીકળે ત્યારે રજિસ્ટરમાં વાહનના નંબર નોંધવામાં આવે છે અને ચાર્જિંગ માટે આવે ત્યારે પણ નોંધણી થાય છે. તો પણ આ બસ કેમ કોઈની નજરમાં ન આવી તે પ્રશ્ન છે.