સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: રાણીપ મેટ્રો સ્ટેશન પાસે AMTS બસે બાઇકને ટક્કર મારતાં 58 વર્ષીય વ્યક્તિનું મોત, ડ્રાઇવર ફરાર

અમદાવાદ: રાણીપ મેટ્રો સ્ટેશન પાસે AMTS બસે બાઇકને ટક્કર મારતાં 58 વર્ષીય વ્યક્તિનું મોત, ડ્રાઇવર ફરાર

અમદાવાદના રાણીપ મેટ્રો સ્ટેશન નીચે મંગળવારે એક ગંભીર અકસ્માત થયો હતો. એક AMTS બસે બાઇકને અડફેટે લેતાં 58 વર્ષીય બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો છે અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, રાણીપ મેટ્રો સ્ટેશન નીચેથી પસાર થઈ રહેલા પ્રશાંત પનુભાઈ શાહ (ઉંમર 58, રહેવાસી પાલડી)ને પૂરઝડપે આવતી AMTS બસ (નંબર GJ01KT2401)ના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે તેઓ સીધા રસ્તા પર પટકાયા અને માથા તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાઇકનો નંબર GJ27BQ8188 હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, અકસ્માત સર્જીને ફરાર થયેલા બસ ચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અકસ્માતે ફરી એકવાર AMTS ડ્રાઇવરોના બેફામ ડ્રાઇવિંગ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. શહેરમાં વારંવાર થતા આવા અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે.