સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: કાલુપુર બ્રિજ પર AMTS બસે 5-6 વાહનોને ટક્કર મારી, 3 ઇજાગ્રસ્ત; ડ્રાઇવર બરતરફ

અમદાવાદ: કાલુપુર બ્રિજ પર AMTS બસે 5-6 વાહનોને ટક્કર મારી, 3 ઇજાગ્રસ્ત; ડ્રાઇવર બરતરફ

અમદાવાદના કાલુપુર બ્રિજ પર શનિવારે (19 સપ્ટેમ્બર) રાત્રે AMTSની ઇલેક્ટ્રિક બસે ચારથી પાંચ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે AMTS અને પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, 137 (શટલ) નંબરની AMTS બસ રામદેવ મસાલાથી સાંજે 7:35 વાગ્યે ઉપડીને બાપુનગર તરફ જઈ રહી હતી. રાત્રે 9:15 વાગ્યે કાલુપુર બ્રિજ પર બસે આગળ જઈ રહેલા બે-ત્રણ વાહનોને ટક્કર મારી હતી. ત્યારબાદ બસ રિવર્સ લેતાં પાછળથી આવતા બે-ત્રણ ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. આમ, કુલ પાંચથી છ વાહનોને બસે ટક્કર મારી હોવાનું જાણવા મળે છે. અકસ્માત એટલો ગંભીર હતો કે એક એક્ટિવા બસ નીચે આવી જતાં કચડાઈ ગયું હતું અને બસના આગળના કાચને પણ નુકસાન થયું હતું.

ઇજાગ્રસ્તોમાં એક મહિલાના હાથમાં અને એક પુરુષના પગમાં ઇજા થઈ હતી. ઘટનાસ્થળે સ્થાનિક લોકોએ 108ને ફોન કરતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગફલતભરી રીતે બસ હાંકનાર ડ્રાઇવર સામે સ્થાનિક લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બસમાં જ ડ્રાઇવરને ઘેરી લીધો હતો. લોકોએ ડ્રાઇવરનો વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ડ્રાઇવર માનસિંગભાઈ તેમજ બસને કોટડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

આ બનાવને લઈને AMTS દ્વારા તાત્કાલિક અસરથી ડ્રાઇવરને બરતરફ કરવામાં આવ્યો છે. જ્યારે સંબંધિત એજન્સીને પેનલ્ટી કરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું છે. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.