સત્ય. સાહસ. સંકલ્પ.

અમરાઈવાડીમાં ગરબા પરત ફરતાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપી ફરાર

અમરાઈવાડીમાં ગરબા પરત ફરતાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપી ફરાર

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં નવરાત્રિના ગરબા રમીને પરત ફરી રહેલા એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. મૃતકનું નામ વિકેશ ગુર્જર છે, જે પોતાના ભાઈ સાથે ગરબા રમીને ઘર તરફ જઈ રહ્યો હતો.

પોલીસ મુજબ, આ ઘટના જૂની અદાવતનું પરિણામ છે. ગરબાના ચોકમાં જ સંતોષ ઉર્ફે મદન રાજપૂત અને રોહિત ઉર્ફે ગાંડા નામના બે આરોપીઓએ વિકેશને રોકીને ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હુમલાને પગલે ગરબાના ચોકમાં નાસભાગ મચી ગઈ હતી.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિકેશને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.

મૃતકના મોટા ભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વિકેશનો મુખ્ય આરોપી મદન રાજપૂત સાથે લગભગ બે મહિના પહેલાં ઝઘડો થયો હતો. તે ઝઘડા બાદ વિકેશ રાજસ્થાન જતો રહ્યો હતો. ગઈકાલે જ્યારે તે અમદાવાદ આવ્યો, ત્યારે જ મદન રાજપૂત અને તેના સાગરિત રોહિતે તેના પર છરીથી હુમલો કર્યો હતો.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ફરાર બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ કેટલાક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.