અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં શનિવારે (17મી ઓક્ટોબર) મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, બંને જૂથ વચ્ચે પહેલા બોલાચાલી થઈ હતી, જે બાદમાં સામસામે પથ્થરમારામાં ફેરવાઈ ગઈ હતી. ઘટનાનું નક્કર કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
આ પથ્થરમારામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો અમદુપુરા પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે. અથડામણ કેમ થઈ, કોણે પથ્થરમારો શરૂ કર્યો અને કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.