સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: અસારવા પાણીની ટાંકીમાંથી હાડકાં મળ્યા બાદ AMC બેઠકમાં સુરક્ષા અને જાળવણી પર સવાલો

અમદાવાદ: અસારવા પાણીની ટાંકીમાંથી હાડકાં મળ્યા બાદ AMC બેઠકમાં સુરક્ષા અને જાળવણી પર સવાલો

અમદાવાદના અસારવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરની પાણીની ટાંકીમાંથી માનવ ખોપરી અને હાડકાં મળી આવ્યા બાદ કોર્પોરેશનની પાણીની ટાંકીઓની સુરક્ષા અને જાળવણીનો મુદ્દો સંકલન સમિતિની બેઠકમાં ચર્ચાયો હતો. રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્યએ પાણીની ટાંકીઓની સુરક્ષા માટે એક્સ આર્મીમેન મૂકવા અને પંપ ચાલુ-બંધ કરવા માટે લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવાની માગ કરી હતી.

ધારાસભ્યએ જણાવ્યું કે, કોર્પોરેશનની પાણીની ટાંકીઓનું સંચાલન અને જાળવણી કોન્ટ્રાક્ટ પર આપવામાં આવે છે. તેમણે દાવો કર્યો કે, કોન્ટ્રાક્ટથી સંચાલિત એક પણ ટાંકીમાં ITI પાસ ટનલ ફિટર નથી. કેટલીક જગ્યાએ ચા બનાવતી વ્યક્તિ તો કેટલીક જગ્યાએ બહારની વ્યક્તિ ટાંકીના પંપ ચાલુ-બંધ કરે છે. આ સ્થિતિ ધ્યાનમાં લેતા તેમણે કોન્ટ્રાક્ટ આધારિત વ્યવસ્થાને બદલે લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવાની માગ કરી હતી.

બેઠકમાં મકરબા બ્રિજની ડિઝાઇન અંગે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. બ્રિજ પૂર્ણ થયા બાદ ચાર રસ્તા પર ઉતરતો હોવાને કારણે ટ્રાફિકના આયોજનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટાળવા માટે કોર્પોરેશનમાં પોતાનું ડિઝાઇન યુનિટ અથવા ડિઝાઇન સેલ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, બ્રિજ પ્રોજેક્ટ સાથે હાઉસિંગ પ્રોજેક્ટ માટે પણ અલગ ડિઝાઇન સેલ હોવો જોઈએ, જેથી પ્રોજેક્ટનું આયોજન યોગ્ય રીતે થાય અને બાંધકામ બાદની મુશ્કેલીઓ ટળે. બ્રિજની ડિઝાઇન કરતી વખતે આસપાસના જંક્શન અને વાહનવ્યવહારને પણ ધ્યાનમાં લેવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત, કોર્પોરેશનમાં 77 ક્લાસ-1 અધિકારીઓ ચાર્જમાં કામ કરતા હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. ચાર્જ પર કામ કરતા અધિકારીઓની કામગીરી પર અસર પડી શકે છે, તેથી ખાલી જગ્યાઓ પર કાયમી નિમણૂક કરવાની માગ કરવામાં આવી હતી. કોર્પોરેશનની હોસ્પિટલોમાં સુપરિન્ટેન્ડેન્ટની જગ્યાઓ વર્ષોથી ચાર્જ પર ચાલતી હોવાનો ઉલ્લેખ કરીને કાયમી નિમણૂક કરવાની રજૂઆત કરવામાં આવી હતી, જેથી નાગરિકોને વધુ સારી આરોગ્યસેવાઓ મળી શકે.

બેઠકમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે પણ પોતાના મતવિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. વેજલપુરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા ડેડિકેટેડ સ્ટોર્મ વોટર લાઇન નાખવાની માગ કરી હતી. બુટભવાનીથી શ્રેયસ કોમ્પ્લેક્સ થઈ મકરબા સુધી સ્ટોર્મ વોટર લાઇનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે શિવરંજની, પાર્થ સ્કૂલની પાછળ, જીવરાજ ચાર રસ્તાની આસપાસ અને રજવાડું હોટલ પાસે સોનલ રોડ પરથી પણ લાઇન નાખવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત પમ્પિંગ અને બૂસ્ટર સ્ટેશન ઊભાં કરવા તેમજ વિસ્તારમાં નવા રસ્તા અને ગાર્ડન બનાવવા અંગે પણ માગણી કરવામાં આવી હતી.