સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: કરોડોના ખર્ચે બનેલું AMCનું શાકભાજી માર્કેટ બન્યું આશ્રયસ્થળ, તંત્રની દેખરેખ પર સવાલ

અમદાવાદ: કરોડોના ખર્ચે બનેલું AMCનું શાકભાજી માર્કેટ બન્યું આશ્રયસ્થળ, તંત્રની દેખરેખ પર સવાલ

અમદાવાદના જોધપુર વોર્ડમાં પ્રહલાદનગર ગાર્ડન નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું શાકભાજી અને ફળ માર્કેટ હાલ તેની મૂળ કામગીરીને બદલે અન્ય ઉપયોગમાં લેવાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સ્થળ શાકભાજી અને ફળોના વેચાણ માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ હાલ ત્યાં અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે.

સામે આવેલા દ્રશ્યો મુજબ, માર્કેટના સ્લેબ વિસ્તારમાં ધાર્મિક સાધુ-સાધ્વીઓ માટે ટેન્ટ લગાવવામાં આવ્યા છે. કેટલાક લોકો મચ્છરદાણી લગાવીને ત્યાં રહેતા હોવાનું પણ દેખાય છે. વધુમાં, શાકભાજી અને ફળોના વેચાણ માટે બનાવેલા સ્થળે કપડાં સુકાવવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે.

એક તરફ AMC જાહેરમાં ફળ અને શાકભાજી વેચતા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવાની વાત કરે છે અને પરિપત્ર તથા નોટિસ પણ આપે છે. બીજી તરફ, વિક્રેતાઓ માટે તૈયાર કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં, તેની દેખરેખ પર સવાલો ઊભા થયા છે.

સ્થાનિક સ્તરે આ સમગ્ર મામલે AMCના એસ્ટેટ વિભાગની કામગીરી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી સુવિધાનો યોગ્ય ઉપયોગ, જાળવણી અને વ્યવસ્થાપન થાય તે જરૂરી છે. હવે સવાલ એ છે કે AMC આ મામલે શું કાર્યવાહી કરે છે અને માર્કેટને તેની મૂળ કામગીરી માટે ક્યારે ઉપયોગમાં લેવામાં આવશે.