અમદાવાદમાં દિવાળીના તહેવારો પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામે કાર્યવાહી કરી રહ્યો છે. આ સિલસિલામાં કાલુપુરના જૂના ઓક્ટ્રોય નાકા પાસે આવેલી એચ. એમ. વરખવાલાની દુકાન પર દરોડો પડ્યો છે.
AMCની ટીમે દુકાનની તપાસ માટે ગુપ્ત રીતે એક ગ્રાહકને મોકલ્યો હતો. આ તપાસ દરમિયાન દુકાનમાંથી 170 પેકેટ અખાદ્ય ચાંદીનું વરખ મળી આવ્યું હતું. આ વરખ મીઠાઈઓ પર ડેકોરેશન માટે વપરાતું હોવાની શંકા છે.
પ્રાથમિક તપાસમાં આ વરખ ચાંદીનું નહીં, પણ એલ્યુમિનિયમનું હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગે વરખના નમૂના લીધા છે અને દુકાનને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
દુકાનના માલિકનો દાવો છે કે આ વરખ ફક્ત ડેકોરેશન માટે રાખવામાં આવ્યું હતું. જોકે AMC આ મામલે વધુ તપાસ કરી રહ્યું છે. ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ અટકાવવા માટે તહેવારો દરમિયાન આવી તપાસ ચાલુ રહેશે.