અમદાવાદમાં દશેરાના પર્વ દરમિયાન ફાફડા-જલેબીના મોટા પાયે ઉત્પાદન અને વેચાણ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું ફૂડ વિભાગ સક્રિય થયું છે. ગુરુવાર (22 ઓક્ટોબર)ના રોડ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોડસાઇડ ફૂડ સ્ટોલ ધારકોને રેપિડ ટેસ્ટિંગ કિટ વસાવવા સૂચના આપવામાં આવી છે. જોકે, વેપારીઓએ કિટ ન ખરીદે તો શું કાર્યવાહી થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમને જણાવ્યું કે, "તહેવારો દરમિયાન રોડસાઇડ ફૂડ સ્ટોલ સાત-આઠ દિવસ માટે લાગે છે, જ્યારે સેમ્પલના રિઝલ્ટ 15 દિવસમાં આવે છે. તેથી કાર્યવાહી કોના પર કરવી તે અંગે પ્રશ્નો ઊભા થતા હતા. આથી આવા સ્ટોલ ધારકોને રેપિડ ટેસ્ટિંગ કિટ રાખવા સૂચના આપી છે, જેથી ગ્રાહકો સ્થળ પર જ ટેસ્ટિંગ કરી ખરીદીનો નિર્ણય લઈ શકે."
આ ઉપરાંત, ફૂડ ટેસ્ટિંગ માટેના હાલના મશીનો જૂના હોવાથી રિપોર્ટમાં વિલંબ થાય છે, તેથી નવા મશીનો ખરીદવા સૂચના આપવામાં આવી છે. નવા મશીનો ખરીદ્યા પછી 15 દિવસના બદલે સાત દિવસમાં રિપોર્ટ મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, આ સૂચના દશેરાનો પર્વ પૂરો થયા બાદ આપવામાં આવી છે. ચાલુ વર્ષે તહેવાર દરમિયાન ફાફડા-જલેબીના આશરે 250 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના પરિણામો માટે હાલની વ્યવસ્થામાં લગભગ 15 દિવસ લાગે છે.
અમદાવાદમાં દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરાને કારણે મીઠાઈ-ફરસાણની દુકાનો ઉપરાંત રસ્તાની બાજુએ અને ફૂટપાથ પર હંગામી સ્ટોલ ઊભા કરવામાં આવે છે. કેટલાક વેપારીઓ મંડપ અને માંડવા બાંધીને મોટા પ્રમાણમાં ઉત્પાદન અને વેચાણ કરે છે. તહેવાર પૂરો થયા બાદ આવા ઘણા સ્ટોલ એકાદ-બે દિવસમાં હટાવી દેવામાં આવે છે. બીજી બાજુ, સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા બાદ પરિણામ આવતાં લાંબો સમય લાગતો હોવાથી ગુણવત્તામાં ખામી સામે આવે ત્યારે સંબંધિત વેપારી સામે કાર્યવાહી કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
ફૂડ વિભાગમાં કર્મચારીઓની સંખ્યા વધારવા માટે પણ વિચારણા ચાલી રહી હોવાનું ચેરમને જણાવ્યું હતું. આગામી સમયમાં નવા સ્ટાફની ભરતી માટે પગલાં લેવામાં આવશે. હવે રેપિડ ટેસ્ટિંગ કિટ અને આધુનિક મશીન ખરીદવાની પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય છે અને તેનાથી સેમ્પલના પરિણામો મેળવવામાં કેટલો સમય ઘટે છે તે મહત્ત્વનું રહેશે.