અમદાવાદના એસજી હાઈવે પર હીરામણિ સ્કૂલ પાસે આવેલો મહાનગરપાલિકાની માલિકીનો 2608 ચોરસ મીટરનો પ્લોટ હવે જાહેર હરાજી દ્વારા ફાળવવામાં આવશે. આ પ્લોટની બજાર કિંમત 65 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.
જન સહાયક ટ્રસ્ટ દ્વારા આ પ્લોટનો ઉપયોગ પાર્કિંગના બદલે શૈક્ષણિક હેતુ માટે કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જો આ દરખાસ્ત મંજૂર થાત તો ટ્રસ્ટને પ્લોટની બજાર કિંમતના માત્ર 50 ટકા ભાવે ફાળવણી કરવામાં આવત, જેથી મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થાત.
આ મુદ્દે સવાલો ઊઠતાં ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીએ દરખાસ્ત પરત કરી દીધી છે. કમિટીના ચેરમેને જણાવ્યું કે, "છારોડી-ઓગણજમાં જન સહાયક ટ્રસ્ટ-હીરામણિ સ્કૂલ દ્વારા 2608 ચોરસ મીટરના કોર્પોરેશનના પ્લોટને હેતુફેર કરી શૈક્ષણિક હેતુ માટે જાહેર હરાજીથી નિકાલ કરવા અંગેની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્ત હાલમાં પરત ખેંચવામાં આવી છે. આ મામલે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે."
આ પ્લોટ મહાનગરપાલિકાને જમીન કપાતમાં સામાજિક માળખાકીય સુવિધા હેઠળ પાર્કિંગના ઉપયોગ માટે મળ્યો હતો અને વર્ષોથી તેનો ઉપયોગ પાર્કિંગ માટે થઈ રહ્યો છે. હાલ જન સહાયક ટ્રસ્ટ દ્વારા આ જગ્યા મહાનગરપાલિકા પાસેથી વાર્ષિક 2.44 લાખ રૂપિયાના ભાડે લેવામાં આવી છે.
હવે મૂલ્યાંકન કમિટી દ્વારા પ્લોટની કિંમત નક્કી કર્યા બાદ જાહેર હરાજી દ્વારા તેનો નિકાલ કરવામાં આવશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે અને મહાનગરપાલિકાને યોગ્ય આવક મળે.