સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે AMCની કાર્યવાહી: 20 દુકાનો સીલ, 2.67 લાખનો દંડ

અમદાવાદમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે AMCની કાર્યવાહી: 20 દુકાનો સીલ, 2.67 લાખનો દંડ

અમદાવાદના પશ્ચિમ ઝોનમાં જાહેર રસ્તાઓ પર ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારી એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન દિવસ અને રાત્રે અલગ-અલગ સ્ક્વોડ બનાવીને તપાસ કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં કુલ 239 એકમોની તપાસ કરવામાં આવી, જેમાંથી 153 એકમોને ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ નોટિસ આપવામાં આવી હતી. જ્યારે નિયમોનો ભંગ કરતા બ્લુ ડર્ટ, શહેરની અગ્રણી રેસ્ટોરન્ટ સહિતના 20 એકમોને સીલ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 2.67 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

પશ્ચિમ ઝોનમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની તપાસ દરમિયાન કોર્પોરેશનની ટીમે 23.1 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. પ્લાસ્ટિક જપ્ત કરવા બદલ 1.24 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. બીજી તરફ, જાહેર રસ્તાઓ પર ગંદકી અને ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો સામે જી.પી.એમ.સી. એક્ટ તથા પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ કાર્યવાહી કરીને 20 એકમોને સીલ કરવામાં આવ્યા હતા. આ એકમો પાસેથી દંડનીય કાર્યવાહી અંતર્ગત 1.43 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.

સૌથી વધુ કાર્યવાહી નવરંગપુરા વોર્ડમાં કરવામાં આવી છે. અહીં તેજ કોમ્પ્લેક્સ, મીઠાખળી છ રસ્તા પાસે આવેલી રોમ ટેકનો, પટેલ ઓટો સર્વિસ અને ભીમ બેટરીઝ સહિતનાં એકમો સામે ગંદકી કરવા બદલ કાર્યવાહી કરાઈ હતી. નગરી હોસ્પિટલ પાસે આવેલી ઓટો સેન્ટર, યુનાઇટેડ મોટર્સ, યુનિવર્સલ પ્રિન્ટર્સ અને બેસ્ટ ઓટો મોબાઇલ સહિતનાં એકમોને પણ સીલ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત એચસીજી હોસ્પિટલ પાસે બંસી પસ્તી ભંડાર, મીઠાખળી છ રસ્તા પાસે ન્યૂ લક્કી મોટર્સ, ડ્રાઇવ ઇન રોડ પર હોટેલ સ્વેલ અને કોમર્સ છ રસ્તા પરની શહેરની અગ્રણી રેસ્ટોરન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ પણ વિવિધ વિસ્તારોમાં એકમો સામે પગલાં લેવાયાં હતાં. તેમાં ન્યૂ રાણીપમાં ધ લાઇવ પફ, સાબરમતીમાં યમન પાન, નગરી હોસ્પિટલ પાસે ભુરા ટી સ્ટોલ, નારણપુરામાં 1919 પાન પાર્લર તથા દર્પણ સર્કલ પાસે મહારાજ પાન હાઉસનો સમાવેશ થાય છે. પાલડીના પ્રીતમનગર વિસ્તારમાં મહારાજ હેન્ડલૂમ સામે પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેર રોડ પર બાંધકામનો કચરો નાખવા બદલ કોમર્સ છ રસ્તા પાસે આવેલી એક નામ વગરની દુકાન સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.