અમદાવાદમાં નવો રસ્તો બન્યા પછી તરત જ પાણી, ડ્રેનેજ કે અન્ય યુટિલિટી લાઇન નાખવા માટે ફરી ખોદકામ કરવાની ફરિયાદો વારંવાર થતી હતી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે.
મ્યુનિસિપલ કમિશનરે આ અંગે સર્ક્યુલર બહાર પાડ્યું છે. નવી SOP મુજબ, રસ્તાની ડિઝાઇન તૈયાર કરતા પહેલા જ પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, વીજળી, ગેસ, ટેલિકોમ અને સ્ટ્રીટલાઇટ જેવી તમામ યુટિલિટીનો સર્વે કરાવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ સાથે રસ્તાની હાલની સ્થિતિ અને માટીની તપાસના આધારે જ બાંધકામ કે રિસરફેસિંગની ડિઝાઇન તૈયાર કરવાની રહેશે. આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ થશે.
રસ્તાની ડિઝાઇન પહેલા ટોપોગ્રાફિકલ સર્વે જરૂરી
નવી ગાઇડલાઇન મુજબ, રસ્તાની ડિઝાઇન બનાવતા પહેલા સ્થળનો વિગતવાર ટોપોગ્રાફિકલ સર્વે કરાવવો પડશે. તેમાં રસ્તાની પહોળાઈ, હાલનું લેવલ, ટીપી-ડીપી રોડલાઇન, ફૂટપાથ, જંક્શન અને વૃક્ષો સહિતની વિગતો નોંધવાની રહેશે. સાથે જ પાણી, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, વીજળી, ગેસ, ટેલિકોમ અને સ્ટ્રીટલાઇટની લાઇન ક્યાંથી પસાર થાય છે, તેની ઊંડાઈ, કદ, પ્રકાર અને માલિકીની માહિતી એકત્ર કરીને સંકલિત નકશો તૈયાર કરવો પડશે.
માહિતી અધૂરી હોય તો ટ્રાયલ પિટ ખોદવો પડશે
જો રસ્તાની નીચે કે આસપાસની યુટિલિટી લાઇનની માહિતી અસ્પષ્ટ કે અધૂરી હોય, તો પ્રોજેક્ટ ઇજનેરની મંજૂરી લઈને ટ્રાયલ પિટ દ્વારા તપાસ કરવી પડશે. આ કામ દરમિયાન સલામતીના પગલાં લેવાના રહેશે. તપાસના ફોટોગ્રાફ સાથે રિપોર્ટ તૈયાર કરીને સ્થળને પહેલા જેવું કરી દેવાનું રહેશે. જો કોઈ લાઇન ખસેડવી કે તેનું રિહેબિલિટેશન કરવું પડે, તો તેનો અંદાજિત ખર્ચ પણ ડિઝાઇન સાથે તૈયાર કરવો પડશે.
રસ્તા પહેલા પાણી-ડ્રેનેજનું કામ પૂરું કરવાનું આયોજન
નવી SOPમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન પર ભાર મૂકવામાં આવ્યો છે. રસ્તાની ડિઝાઇનને આખરી સ્વરૂપ આપતા પહેલા પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને સ્ટ્રીટલાઇટ વિભાગના સંબંધિત અધિકારીઓનો લેખિત અભિપ્રાય મેળવવો પડશે. ત્યારબાદ સંયુક્ત બેઠક અને સ્થળ મુલાકાત કરીને જરૂરી કામગીરી નક્કી કરવાની રહેશે. જો નવી પાણી કે ડ્રેનેજ લાઇન નાખવાની કે જૂની લાઇન બદલવાની જરૂર હોય, તો રસ્તાનું બાંધકામ શરૂ થાય તે પહેલા આ કામ પૂરું થાય તે રીતે આયોજન કરવાનું રહેશે. આનો હેતુ રસ્તો તૈયાર થયા પછી બીજા વિભાગની કામગીરીને કારણે ફરી ખોદકામ કરવાની જરૂર ટાળવાનો છે.
કાચા રસ્તા માટે માટીની તપાસ, ડામર રસ્તા માટે FWD ટેસ્ટ
હાલના કાચા રસ્તાને પાકો બનાવતા પહેલા માટીની તપાસ કરાવવી પડશે. માટીની કેલિફોર્નિયા બેરિંગ રેશિયો (CBR) વેલ્યુના આધારે પેવમેન્ટની ડિઝાઇન તૈયાર કરવાની રહેશે. બીજી તરફ, હાલના ડામર રસ્તાના રિસરફેસિંગ પહેલા FWD મશીનથી રસ્તાનું ડિફ્લેક્શન તપાસવું અને તેનો રિપોર્ટ તૈયાર કરવો ફરજિયાત રહેશે. રસ્તા પરના ટ્રાફિકના ભારને આધારે MSA (મિલિયન સ્ટાન્ડર્ડ એક્સલ્સ) નક્કી કરીને પેવમેન્ટની જાડાઈ નક્કી કરવાની રહેશે. ટેક્નિકલ તપાસના આધારે ક્યાં અને કેટલું મિલિંગ કરવું તે નક્કી થશે. રસ્તાના હાલના અને અંતિમ લેવલની વિગતો સાથે FRL (ફિનિશ્ડ રોડ લેવલ) લેવલ શીટ તથા રસ્તાની લંબાઈ, પહોળાઈ અને બાંધકામના વિવિધ સ્તરોની માપણી શીટ પણ તૈયાર કરવી પડશે.
રસ્તો, ફૂટપાથ અને યુટિલિટીનું સંકલિત આયોજન ફરજિયાત
કોર્પોરેશને રસ્તાની ડિઝાઇનમાં ફક્ત રસ્તાના બાંધકામને બદલે ફૂટપાથ, સાયકલ ટ્રેક, સ્ટ્રીટલાઇટ, ટ્રાફિક વ્યવસ્થા, લેન્ડસ્કેપિંગ અને તમામ યુટિલિટીનો સમાવેશ કરવાની સૂચના આપી છે. રસ્તાની પહોળાઈમાં દરેક યુટિલિટી માટે નિશ્ચિત જગ્યા રાખવાની રહેશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વિભાગને અલગથી ખોદકામ કરવું ન પડે.