સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: હીરામણિ સ્કૂલ માટે પ્લોટ ફાળવવાની દરખાસ્ત પરત, હવે જાહેર હરાજીની ચર્ચા

અમદાવાદ: હીરામણિ સ્કૂલ માટે પ્લોટ ફાળવવાની દરખાસ્ત પરત, હવે જાહેર હરાજીની ચર્ચા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસજી હાઇવે પર આવેલા હીરામણિ સ્કૂલ કેમ્પસમાં કોર્પોરેશનનો જે પ્લોટ આવેલો છે, તેને પાર્કિંગમાંથી શૈક્ષણિક હેતુમાં ફેરવીને ફાળવવાની દરખાસ્ત પરત ખેંચવામાં આવી છે. ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું કે આ દરખાસ્ત હાલ પરત લેવામાં આવી છે અને આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવાશે.

જન સહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણિ સ્કૂલે છારોડી-ઓગણજ વિસ્તારમાં આવેલા 2,608 ચોરસ મીટરના આ પ્લોટને શૈક્ષણિક હેતુ માટે ફાળવવા રજૂઆત કરી હતી. આ પ્લોટ સામાજિક માળખાકીય સુવિધા હેઠળ પાર્કિંગ માટે રાખવામાં આવ્યો છે અને સ્કૂલ તેને વાર્ષિક ભાડે લે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્લોટની બજાર કિંમત 65 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવે છે. જો પ્લોટનો હેતુફેર કરીને શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવે, તો નિયમ મુજબ ટ્રસ્ટને બજાર કિંમતના 50 ટકા લેખે રકમ કોર્પોરેશનને ચૂકવવાની હોત. આમ થવાથી કોર્પોરેશનને મોટા પ્રમાણમાં આવક ગુમાવવાની શક્યતા હતી. આ મુદ્દે ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં દરખાસ્ત મુકાતાં વિવાદ ઊભો થયો હતો.

ઉલ્લેખનીય છે કે આ પ્લોટ અગાઉ કપાતમાં કોર્પોરેશનને મળ્યો હતો અને ભાજપના પૂર્વ સાંસદ નરહરિ અમીન સાથે સંકળાયેલા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી વાર્ષિક ભાડે લેવામાં આવી રહ્યો છે. હાલમાં ટ્રસ્ટ દ્વારા વાર્ષિક 2.44 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવે છે અને સ્કૂલની બસો આ પ્લોટમાં પાર્કિંગ કરે છે.

ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેનની જાહેરાત મુજબ પ્લોટને જાહેર હરાજી દ્વારા નિકાલ કરવા અંગેની ચર્ચા થઈ રહી છે. અત્યારે પ્લોટનો ભાડા કરાર યથાવત રહેશે અને આગામી સમયમાં આ મામલે અંતિમ નિર્ણય લેવાશે.