સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: AMC કમિટીઓમાં વિપક્ષને સ્થાન મેળવવાની કોંગ્રેસની અરજી હાઈકોર્ટે ફગાવી

અમદાવાદ: AMC કમિટીઓમાં વિપક્ષને સ્થાન મેળવવાની કોંગ્રેસની અરજી હાઈકોર્ટે ફગાવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વિવિધ કમિટીઓમાં વિપક્ષી કોર્પોરેટરોને પ્રતિનિધિત્વ આપવાની માંગ સાથે કોંગ્રેસના કોર્પોરેટર મોહમ્મદ ઇલ્યાસખાન પઠાણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. અરજીમાં AMC અને મેયર હિતેશ બારોટને પક્ષકારો બનાવવામાં આવ્યા હતા.

અરજદારે દલીલ કરી હતી કે AMCમાં કુલ 192 કોર્પોરેટરોમાંથી 160 સત્તાપક્ષના અને 32 વિપક્ષના છે. તેમ છતાં વિવિધ મ્યુનિસિપલ કમિટીઓમાં વિપક્ષી કોર્પોરેટરોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. તેથી કમિટીઓમાં વિપક્ષને સ્થાન આપવાનો નિર્દેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

સામે પક્ષે, રાજ્ય સરકારે દલીલ કરી હતી કે સંબંધિત કાયદા કે જોગવાઈઓમાં મ્યુનિસિપલ કમિટીઓમાં વિપક્ષી સભ્યોને સ્થાન આપવું ફરજિયાત નથી. માત્ર વિપક્ષમાં હોવાના આધારે કમિટીમાં સ્થાન મેળવવાનો કાયદેસર હક ઊભો થતો નથી.

બંને પક્ષની રજૂઆતો અને કાયદાકીય જોગવાઈઓ ધ્યાનમાં લીધા બાદ હાઈકોર્ટે વિપક્ષી કોર્પોરેટરોને મ્યુનિસિપલ કમિટીઓમાં પ્રતિનિધિત્વ આપવું કાયદેસર રીતે ફરજિયાત છે તેવું સ્વીકાર્યું નહીં. પરિણામે અરજી ફગાવી દેવામાં આવી, જેથી કમિટીઓમાં વિપક્ષને સ્થાન આપવાની માંગને અદાલતી રાહત મળી નથી.