સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ AMC કચેરીમાં બોમ્બ ધમકી: સાયરન નહીં, બોમ્બ સ્ક્વોડ મોડી પહોંચ્યું

અમદાવાદ AMC કચેરીમાં બોમ્બ ધમકી: સાયરન નહીં, બોમ્બ સ્ક્વોડ મોડી પહોંચ્યું

અમદાવાદની દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની મુખ્ય કચેરીને બપોરે 2.11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જોકે, તપાસ માટે બોમ્બ સ્ક્વોડ બપોરે 5.15 વાગ્યે પહોંચ્યું હતું, જ્યારે તપાસ 5.58 વાગ્યે પૂર્ણ થઈ હતી. 18 હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ ધરાવતી કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં ઇમરજન્સી સાયરન સિસ્ટમ ન હોવાને કારણે અધિકારીઓ અને કર્મચારીઓને બિલ્ડિંગ ખાલી કરાવવામાં જ દોઢ કલાકથી વધુ સમય લાગ્યો હોવાની વિગતો સામે આવી છે.

અગાઉ પણ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હોવા છતાં કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક ચેતવણી આપતી વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે. જો ધમકી વાસ્તવિક હોત અને વિસ્ફોટ થયો હોત, તો મોટી જાનહાનિ થવાની આશંકા હતી. અમદાવાદની વસ્તી 1 કરોડ જેટલી થઈ ગઈ છે, એટલે કે 20 લાખની વસ્તી દીઠ એક બોમ્બ સ્ક્વોડ છે.

બપોરે 12.05 વાગ્યે મેયરની ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. ત્યારબાદ બપોરે 2.03 વાગ્યે પોલીસ કમિશનરની ઓફિસને જાણ કરવામાં આવી હતી અને 2.11 વાગ્યે કોર્પોરેશનની બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની વિગતો સામે આવી હતી. આ પછી બિલ્ડિંગ ખાલી કરાવવાની કામગીરી બપોરે 3.45 વાગ્યા સુધી ચાલી હતી. બોમ્બની તપાસ માટે આણંદથી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ બોલાવવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ બપોરે 5.15 વાગ્યે અને ડોગ સ્ક્વોડ 5.25 વાગ્યે કચેરીએ પહોંચ્યું હતું. બંને ટીમોએ સાંજે 5.58 વાગ્યા સુધીમાં તપાસ પૂર્ણ કરી હતી. આમ, ધમકી મળ્યા બાદ બિલ્ડિંગ ખાલી કરાવવાની કામગીરી અને તપાસ માટે ટીમો પહોંચવાના સમય વચ્ચે લાંબો વિલંબ જોવા મળ્યો હતો.

દાણાપીઠની કચેરીને અગાઉ પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ અને મેસેજ મળ્યાની વિગતો સામે આવી છે. તેમ છતાં, કચેરીમાં ઇમરજન્સી સાયરન જેવી વ્યવસ્થા નથી. સાયરન સિસ્ટમ હોય તો કટોકટીની સ્થિતિમાં એકસાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ અને મુલાકાતીઓને ચેતવણી આપી શકાય અને બિલ્ડિંગ ખાલી કરાવવાની પ્રક્રિયા ઝડપી બની શકે. દાણાપીઠ ખાતેની કોર્પોરેશનની કચેરીમાં દરરોજ મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોની અવરજવર રહે છે.

સુરક્ષા વ્યવસ્થાની ક્ષમતા અંગેનો બીજો મુદ્દો બોમ્બ સ્ક્વોડની ઉપલબ્ધ ટીમોનો છે. મળેલી પુષ્ટિ થયેલી વિગતો મુજબ, અમદાવાદ પાસે બોમ્બ સ્ક્વોડની ત્રણ ટીમ છે, જ્યારે અન્ય સ્થળેથી વધુ ચાર ટીમ મંગાવવામાં આવી હતી. આ ઉપરાંત, અમદાવાદમાં ડોગ સ્ક્વોડની કુલ 10 ટીમ છે, પરંતુ તેમાંથી માત્ર પાંચ ટીમ જ વિસ્ફોટક પદાર્થ શોધી શકે છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શહેરમાં એકસાથે અનેક સ્થળોએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. તેથી શહેરની બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની વિવિધ એજન્સીઓને તપાસ માટે કામે લગાડવામાં આવી હતી. શહેરની નજીક ઉપલબ્ધ બોમ્બ અને ડોગ સ્ક્વોડને પણ ડીજીપી કચેરી દ્વારા જાણ કરવામાં આવે છે અને તેમને સ્થળ પર તપાસ માટે મોકલવામાં આવે છે.

દાણાપીઠ ખાતેની સંપૂર્ણ ટાઇમલાઇન:

12.05: ધમકી ભર્યો ઈ-મેલ મેયર ઓફિસમાં કરાયો
2.03: પોલીસ કમિશનર ઓફિસમાં જાણ કરાઈ
2.11: AMCને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી
3.45: સુધી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી
5.15: આણંદ થી બોમ્બ સ્ક્વોડ કોર્પોરેશન પહોંચ્યું
5.25: આણંદ થી ડોગ સ્કોડ કોર્પોરેશન પહોંચ્યું
5.58: ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કોર દ્વારા તપાસ પૂર્ણ કરાઈ