સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: રોડના કામ અધૂરા રાખતી શ્રીજી ઇન્ફ્રાસ્પેસને બ્લેકલિસ્ટ કરવાનો AMCનો નિર્ણય

અમદાવાદ: રોડના કામ અધૂરા રાખતી શ્રીજી ઇન્ફ્રાસ્પેસને બ્લેકલિસ્ટ કરવાનો AMCનો નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ચાંદખેડા વોર્ડમાં રોડ રિસરફેસિંગના કામમાં બેદરકારી દાખવનાર શ્રીજી ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ અંગે સૂચના આપી છે.

ચાંદખેડા વોર્ડમાં ₹9.02 કરોડથી વધુના 8 રોડ રિસરફેસિંગ કામોનો વર્ક ઓર્ડર જાન્યુઆરીમાં શ્રીજી ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધી એકપણ કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી. બે રોડનું કામ શરૂ કર્યા બાદ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું છે, જ્યારે ચાર કામ હજુ શરૂ જ કરવામાં આવ્યા નથી.

લક્ષ્મીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડનો 290 મીટરનો રોડ અને કડિયાનાકાથી ગોવિંદનગર સુધીનો 565 મીટરનો રોડ રિસરફેસ કરવાનું કામ કોન્ટ્રાક્ટરે શરૂ કર્યું હતું, પરંતુ બેઝવર્ક બાદ કામ અધવચ્ચે છોડી દેવામાં આવ્યું હતું. કામ ફરી શરૂ કરવા નોટિસ અને લીગલ નોટિસ આપવા છતાં બાકીનું કામ પૂર્ણ થયું નથી.

આ ઉપરાંત લાભે હનુમાન રોડ રિસરફેસિંગ, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 1045થી 1059 સુધીના રોડનું રિસરફેસિંગ, સુવર્ણ રેસિડેન્સીથી આગમન હાઇટ્સ સુધીના રોડનું રિસરફેસિંગ અને ઓમકાર લોટસથી કૌટિલ્ય સુધીના રોડનું રિસરફેસિંગ — આ ચારેય કામ હજુ શરૂ થયા નથી.

બાકીના બે કામની સ્થિતિ પણ પૂર્ણ થયેલી નથી. એક કામમાં ડીબીએમનું કામ પૂર્ણ થયું છે, જ્યારે આઈઓસી રોડ, ઘનશ્યામ ડેરી સામે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બી.એસ. સ્કૂલથી કડિયાનાકા સુધીના રોડ પર હાલ માત્ર ફૂટપાથનું કામ ચાલુ છે. આમ, ₹9.02 કરોડના ખર્ચના આઠેય કામમાંથી એકપણ કામ હજી પૂર્ણ થયું નથી.

કામમાં જરૂરી ગતિ ન આવતાં કંપનીને એપ્રિલથી જૂન દરમિયાન ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં સંતોષકારક પ્રગતિ ન થતાં સ્ટેન્ડિંગ કમિટીએ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવા સૂચના આપી છે.

આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક્કા ક્લબના બાકી પ્રોપર્ટી ટેક્સનો મુદ્દો પણ ચર્ચાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે એક્કા ક્લબનો ₹20 કરોડથી વધુનો ટેક્સ બાકી છે. અધિકારીઓની બેદરકારીના કારણે વર્ષોથી આ ટેક્સની વસૂલાત થઈ શકી નથી અને કોર્પોરેશનને બે વખત કોર્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે.