અમદાવાદમાં પાણીની સંભવિત તંગીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરના ચાર ઝોનમાં 12 નવા બોરવેલ બનાવવાની કવાયત હાથ ધરી છે. આ બોરવેલ 310 મીટર (લગભગ 1,000 ફૂટ) ઊંડા હશે અને તેના પર રૂ. 3.99 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીની ગુરુવારે મળનારી બેઠકમાં આ અંગેની દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી છે. દરખાસ્તમાં ચાર અલગ-અલગ એજન્સીઓને 12 બોરવેલ બનાવવાનું કામ સોંપવાની મંજૂરી માંગવામાં આવી છે. 350 x 250 એમએમ વ્યાસ અને 310 મીટર ઊંડાઈ ધરાવતા એક બોરવેલનો અંદાજિત ખર્ચ રૂ. 33.30 લાખ નક્કી કરવામાં આવ્યો છે. આ ખર્ચમાં ડ્રિલિંગ ઉપરાંત ડેવલપિંગ, પાઇપ એસેમ્બલી અને મટિરિયલ સહિતની તમામ બાબતોનો સમાવેશ થાય છે.
આ બોરવેલ પશ્ચિમ, મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જરૂરિયાતવાળા સ્થળોએ બનાવવામાં આવશે. જે સ્થળોએ નવા બોરવેલ બનશે તેમાં વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન (WDS)થી પાણી ન પહોંચતું હોય તેવા છૂટાછવાયા વિસ્તારો, જે WDS કમ્પાઉન્ડમાં હાલમાં કોઈ બોરવેલ નથી તેવા સ્થળો, જ્યાં હયાત બોરવેલ ફેલ થઈ ગયા હોય અથવા બંધ પડી ગયા હોય તેવા સ્થળો અને તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી નવી જગ્યાઓનો સમાવેશ થાય છે.
આગામી દિવસોમાં શહેરના બાકી રહેતા અન્ય ત્રણ ઝોન માટે પણ આ જ પ્રકારે બોરવેલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.